બોલીવૂડમાં રિતિક રોશન સાથે ‘કહો ના પ્યાર હે’ જેવી સુપર હિટ ફિલ્મથી પદાર્પણ કરનારી અને ‘ગદ્દર’ જેવી સફળ ફિલ્મથી જાણીતી થઈ ગયેલી અમિષા પટેલ આજે 50 વર્ષની ઉંમરે પણ અપરિણીત છે. તાજેતરમાં મીડિયા ઇન્ટરવ્યુમાં તેણે આ અંગે કહ્યું હતું કે, તેને અભિનય છોડવા કહેવાયું હતું, તેથી તેણે લગ્ન માટે ના કહી તી. તેણે વધુમાં કહ્યું કે, તેને આજે પણ તેનાથી અડધી ઉમરના છોકરાઓની લગ્ન માટેના પ્રસ્તાવ મળે છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, ‘જે લોકો તમને પ્રેમ કરે છે, તે તમને કારકિર્દીમાં આગળ વધવા દેશે. મેં મારી કારકિર્દી માટે સમાધાન કર્યું છે, સામે મેં પ્રેમ માટે પણ ઘણું ગુમાવ્યું છે. ઉદાહરણ તરીકે, હું એક સીરિયસ રીલેશનશિપમાં હતી, એ હું ફિલ્મમાં જોડાઈ તે પહેલા હતી. એ પણ મારી જેમ સાઉથ બોમ્બેના એક મોટા બિઝનેસ પરિવારમાંથી આવતો હતો. અમારું બંનેનું બેકગ્રાઉન્ડ અને શિક્ષણ બધું જ સરખું હતું. બંનેના પરિવારો પણ સરખાં હતાં. બધું જ અનુકૂળ હતું, પરંતુ મેં જ્યારે ફિલ્મમાં જવાનો નિર્ણય લીધો તો, મારા પાર્ટનરની ઇચ્છા નહોતી કે તેની વ્યક્તિ જાહેરમાં લોકોના ધ્યાનમાં આવે અને આ રીતે મેં પ્રેમથી ઉપર કારકિર્દીની પસંદગી કરી હતી.”
અમિષા લગ્ન પ્રથામાં વિશ્વાસ ધરાવે છે કે નહીં, તે અંગે તેણે જવાબ આપ્યો હતો કે, ‘હું લગ્ન કરવા તૈયાર જ છું, જો કોઈ એટલું મહત્વનું મળે તો. જો ઇચ્છા હોય તો બધું જ થઈ શકે. જો કોઈ વ્યક્તિને હું દરેક પરિસ્થિતિ માટે યોગ્ય લાગું તો મૌકે પે ચૌકા માર લેંગે. મને હજુ પણ ઘણા સમૃદ્ધ પરિવારોમાંથી સારા પ્રસ્તાવ મળે છે. મારાથી અડધી ઉમરના લોકો મને ડેટ પર લઇ જવા તૈયાર છે. મને પણ તેમાં કોઈ વાંધો નથી કારણ કે વ્યક્તિ મનથી મેચ્યોર હોવો જોઈએ. હું એવા પણ ઘણા લોકોને મળી છું, જે મારાથી ઘણા મોટા હોય તો પણ મગજ માખી જેવું નાનું હોય છે.’
