(Photo by Scott Olson/Getty Images)

અમેરિકામાં વાવાઝોડું ત્રાટકતાં ચાર-પાંચ રાજ્યો પ્રભાવિત થયા છે. નેબ્રાસ્કા, ટેક્સાસ, મિનેસોટા અને લોવામાં ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તીવ્ર હવાના કારણે વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે લગભગ પાંચ લાખ ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.

અમેરિકાના નેશનલ વેધર સર્વિસ સેન્ટરના કહેવા પ્રમાણે મિનેસોટા, ટેક્સાસ, નેબ્રાસ્કા, લોવા જેવા ચારેક રાજ્યોમાં તોફાની પવન ફૂંકાયો હતો. આ રાજ્યોમાં ધૂળની ડમરીઓ ઉડતાં માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં પાંચ લોકોનાં મોત થયા હતા. ઠેર-ઠેર વૃક્ષો પડી જતાં પાંચેક રાજ્યોના ૨૯૦ જેટલાં હાઈવે બંધ કરવાની નોબલ આવી હતી.
અમેરિકાના હવામાન વિભાગે લોકોને બહાર ન નીકળવાની તાકીદ કરી હતી . લગભગ સાડા ત્રણ કરોડ કરતાં વધુ લોકો આ વાવાઝોડાંથી પ્રભાવિત થયા હતા. આ રાજ્યોમાં જનજીવન ઠપ થઈ ગયું હતું. ન્યૂ મેક્સિકો, મિશિગન, લ્યુસિયાના, મિસિસિપીમાં એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. મિશિગનમાં જ અઢી લાખ પાવરકટની ફરિયાદ નોંધાઈ હતી. વૃક્ષો પડી ગયા હોવાની ફરિયાદો પણ વ્યપકપણે ઉઠી હતી.

લોવામાં તો વાવાઝોડાંની સાથે વરસાદ પણ પડયો હતો. ઠંડો પવન ફૂંકાયો હતો. ઘણાં રસ્તાઓ ઉપર વાહનો પલટી ગયા હતા. તો કેટલાક રસ્તાઓ વૃક્ષ પડી જવાથી બંધ થઈ ગયા હતા. એ તમામ રસ્તાઓ ઉપર બચાવ ટૂકડીઓએ રાહત કામગીરી શરૃ કરી હોવાનું પણ રાજ્ય સરકારના અધિકારીઓએ કહ્યું હતું. અમેરિકાની એરપોર્ટ ઓથોરિટીએ ટ્વિટરમાં એ રાજ્યોમાં સર્વિસ આપતી એરલાઈન્સને ચેતવણી આપી હતી. ત્યારબાદ ઘણી એરલાઈન્સે ફ્લાઈટ કેન્સલ કરી હતી. આ ચારેય રાજ્યોમાં સપ્તાહના અંત સુધી ટ્રાવેલ ન કરવાની સૂચના અપાઈ છે. નેબ્રાસ્કા, લોવા, મિનેસોટા શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. મોટા શહેરોમાં ખાનગી કંપનીઓએ ઓફિસ પણ હાલ પૂરતી બંધ કરવાની જાહેરાત કરી હતી.