ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે નવ દિવસથી ચાલી રહેલા હવાઇ યુદ્ધમાં આખરે અમેરિકાએ ગત શનિવારે ઝંપલાવ્યું હતું. અમેરિકાના મહાકાય બી-૨ સ્ટીલ્થ બોમ્બર વિમાનોએ ઇરાનના સૌથી સુરક્ષિત ગણાતા અને ભૂગર્ભમાં આવેલા ફોર્દો, ઇસ્ફહાન અને નતાન્ઝ અણુમથકો પર 13,500 કિલોગ્રામના બંકર બસ્ટર બોમ્બ વરસાવીને આ મથકોને ઉડાવી દીધાં હતાં. ઈરાને સોમવારે મોડી રાત્રે નજીકના કતાર અને ઈરાકમાં અમેરિકાના સૈન્યના મથકો ઉપર વળતા ઘા કર્યા હતા. કતારે પાટનગર દોહા નજીક આવેલા અમેરિકી મથકો ઉપરના હુમલાને પુષ્ટિ આપી હતી, તો ઈરાક ઉપરના હુમલાના અહેવાલોને સમર્થન મળ્યું નથી. કતારે પણ ઈરાનના હુમલાનો વળતો જવાબ આપવાનું કહ્યું હતું.
ઇરાન પરના હુમલા પછી અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દેશને કરેલા સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કે ઈરાનના મુખ્ય અણુમથકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને હવે ઇરાન વળતો હુમલો કરશે તો એ તેના માટે વિનાશકારી બની રહેશે.
અમેરિકાના ‘ઓપરેશન મિડનાઇટ હેમર’ની માહિતી આપતા જોઇન્ટ્સ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન, ડેન કૈઇનીએ જણાવ્યું હતું કે ઓપરેશનમાં સાત બી-ટુ બોંબર અને ટોમહોક ક્રુઝ મિસાઇલનો ઉપયોગ કરાયો હતો. મુખ્ય બી-ટુ બોમ્બર્સ વિમાને ફોર્દો પ્લાન્ટ પર બે GBU-57 મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) બોંબ ફેંક્યા હતા. બે અણુ ટાર્ગેટ પર કુલ 14 MOP બોંબ ફેંકાયા હતાં. અમેરિકાએ પ્રથમ વાર GBU-57 MOP બોંબનો ઉપયોગ કર્યો છે. આ મિશનમાં 125થી વધુ યુદ્ધવિમાનોનો ઉપયોગ કરાયો હતો.
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ ચેતવણી આપી હતી કે વોશિંગ્ટનનું યુદ્ધખોર, કાયદાવિહીન વહીવટતંત્ર તેના આક્રમક કૃત્યના ખતરનાક પરિણામો અને દૂરગામી અસરો માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે. એવી કોઇ રેડલાઇન નથી કે જેને અમેરિકાએ ઓળંગી ન હોય. અમેરિકાએ પરમાણુ મથકો પર હુમલો કરીને સૌથી ખતરનાક મોટી રેડ લાઇન ઓળંગી છે. તેઓ રવિવારે મોસ્કોમાં પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરવા જશે, કારણ કે ઇઝરાયલ સાથે તેના પ્રાદેશિક યુદ્ધમાં અમેરિકાએ પ્રવેશ કર્યો છે.
ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠને પુષ્ટિ આપી હતી કે તેના ફોર્દો, ઇસ્ફહાન અને નતાન્ઝ સ્થળો પર હુમલા થયા છે, પરંતુ પરમાણુ કાર્યક્રમ બંધ કરાશે નહીં. ઈરાન અને યુએન પરમાણુ નિરીક્ષક સંસ્થાએ જણાવ્યું હતું કે હુમલાઓ પછી ત્રણેય સ્થળોએ રેડિયેશનનો ફેલાવો થયા હોવાનો કોઇ સંકેત મળતા નથી.
સેટલાઇટ ઇમેજમાં દેખાય છે કે ફોર્ડના પરમાણુ મથકના પ્રવેશદ્વારોને ભારે નુકસાન થયું હતું. આ પ્લાન્ટ ભૂગર્ગમાં ઘણો ઊંડે આવેલો છે અને તે ઇરાનનો સૌથી સુરક્ષિત પ્લાન્ટ માનવામાં આવે છે.
ટ્રમ્પે અમેરિકી સંસદની મંજૂરી લીધા વગર આ હુમલા કર્યા હતા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર અમારો ખૂબ જ સફળ હુમલો પૂર્ણ કર્યો છે. આ સ્થળોમાં ફોર્દો, નતાન્ઝ અને એસ્ફહાનનો સમાવેશ થાય છે. તમામ વિમાનો ઈરાનની હવાઈ સીમાની બહાર આવી ગયો છે. બોમ્બનો સંપૂર્ણ પેલોડ પ્રાથમિક સ્થળ ફોર્દો પર ફેંકવામાં આવ્યો હતો. અમેરિકાએ બંકર બસ્ટર બોંબ ઉપરાંત ટોમહોક મિસાઇલનો પણ ઉપયોગ કર્યો હતો. તેને સબમરીનમાંથી આશરે 30 ટોમહોક મિસાઇલો છોડી હતી.
ઇરાન પર હુમલો કરવાના ટ્રમ્પના નિર્ણયની પ્રશંસા કરતાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે અમેરિકાના અદભૂત તાકાત સાથે ઇરાનના પરમાણુ મથકોને ટાર્ગેટ કરવાનો તમારો બોલ્ડ નિર્ણય ઇતિહાસ બદલી નાંખશે. અમેરિકાએ એવું કર્યું છે જે પૃથ્વી પરનો કોઈ અન્ય દેશ કરી શક્યો નથી.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે એવું જોખમ વધી રહ્યું છે કે આ સંઘર્ષ ઝડપથી અંકુશ બહાર નીકળી શકે છે, તેનાથી નાગરિકો, પ્રદેશ અને વિશ્વ માટે વિનાશક પરિણામો આવી શકે છે. ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધી ઇરાનમાં ઓછામાં ઓછા 865 લોકોના મોત થયા છે અને 3,396 ઘાયલ થયા છે.
