ચાલુ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરવાની પાકિસ્તાન સરકારના નિર્ણયનો દેશમાં ભારે વિરોધ થયો હતો. પાકિસ્તાનના ઘણા સામાજિક કાર્યકરો અને લેખકોએ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના આ નિર્ણયને ચાપલૂસીની નીતિ ગણાવી હતી.
પાકિસ્તાને જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પે ઇસ્લામાબાદ અને નવી દિલ્હી બંને સાથે મજબૂત રાજદ્વારી જોડાણ દ્વારા શ્રેષ્ઠ વ્યૂહાત્મક દૂરંદેશી અને ઉત્કૃષ્ટ રાજનીતિ દર્શાવી હતી, જેનાથી બંને દેશો વચ્ચેની વધતી જતી તંગદિલીમાં ઝડપથી ઘટાડો થયો હતો. આ હસ્તક્ષેપ વાસ્તવિક શાંતિ નિર્માતા તરીકેની તેમની ભૂમિકાનો પુરાવો છે.
સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરતાં પાકિસ્તાની પત્રકાર અને લેખક ઝાહિદ હુસૈને કહ્યું હતું કે ગાઝા યુદ્ધને સમર્થન આપનાર ટ્રમ્પને નોમિનેટ કરવાનો આ નિર્ણય નિંદનીય છે. ટ્રમ્પે ઈરાન પર ઈઝરાયલના હુમલાને ઉત્કૃષ્ટ ગણાવ્યો છે અને પાકિસ્તાન સરકારે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની ભલામણ કરી છે. પાકિસ્તાન સરકારનો આ નિર્ણય દયનીય છે. ટ્રમ્પ એક એવા નેતા છે કે જેમણે ગાઝામાં નરસંહાર કરતાં યુદ્ધને સમર્થન આપ્યું છે અને ઈરાન પર આક્રમણ કરવાની યોજના બનાવી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે સેવા આપી ચૂકેલા મલીહા લોધીએ કહ્યું કે ચાપલૂસીની નીતિ રાખી શકાય નહીં અને સરકારનું આ પગલા દુર્ભાગ્યપૂર્ણ છે. લોધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની ભલામણ કરી રહી છે. ટ્રમ્પે ગાઝામાં ઇઝરાયલે કરેલા નરસંહારને સમર્થન આપ્યું છે… આ પગલું પાકિસ્તાનના લોકોના વિચારોને પ્રતિબિંબિત કરતું નથી.
સેનેટર અલ્લામા રાજા નાસિરે પાકિસ્તાનના આ પગલાને ખૂબ જ ગેરમાર્ગે દોરનારો અને નૈતિક રીતે ખોખલો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર શાંતિની તરફેણ કરવાની જગ્યાએ ભૂ-રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે ટ્રમ્પને નોમિનેટ કરી રહી છે.












