અમેરિકામાં વિમાની પ્રવાસીઓ માટે ગયા સપ્તાહે મંગળવારે જાહેર થયેલી નવી નીતિ પ્રમાણે હવે તેમને એરપોર્ટ પર સ્ક્રિનિંગ વખતે બૂટ ઉતારીને તપાસમાંથી પસાર થવાની જરૂર નહીં રહે. 20 વર્ષ પહેલાં પ્રવાસી માટે એરપોર્ટ ઉપર સ્ક્રિનિંગ વખતે બૂટ ઉતારીને પસાર થવાનો નિયમ અમલી બન્યો હતો.
અમેરિકાના ગૃહ પ્રધાન પ્રધાન ક્રિસ નોએમે રોનાલ્ડ રેગન નેશનલ એરપોર્ટ ખાતે પત્રકાર પરિષદમાં પરિવહન સલામતી નિયમોમાં થયેલા ફેરફારની જાહરાત કરી હતી. બૂટમાં બોમ્બ છુપાવીને વિમાનમાં બેસી ગયેલો પ્રવાસી રીચાર્ડ રેઇડ ઝડપાયા પછીના પાંચ વર્ષે અર્થાત 2006માં અમેરિકી એરપોર્ટ પર સ્ક્રિનિંગ વખતે બૂટ ઉતારીને પસાર થવાનો નિયમ અમલી બન્યો હતો. આંતરિક સુરક્ષા પ્રધાને જણાવ્યું હતું કે 20 વર્ષના સમયગાળામાં સુરક્ષા ટેકનોલોજીમાં પણ મોટા ફેરફારો થયા છે.
તે સંજોગોમાં દેશની મુલાકાતે આવી રહેલા પ્રવાસીઓને હવે આતિથ્ય પુરૂ પાડવાનો પ્રયાસ થશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રવાસીને આતિથ્યનો અહેસાસ કરાવવાની સાથે સાથે અમેરિકા આંતરિક સુરક્ષા પણ જાળવી શખશે. વિમાનમાં બૂટની અંદર બોમ્બ સાથે ઝડપાયેલો રીચાર્ડ રેઇડ અલ કાયદાનો સભ્ય હતો. ડિસેમ્બર 2001માં પેરિસ-મિયામી ફ્લાઇટમાં પ્રવાસીઓએ જ રીચાર્ડને પકડી પાડયો હતો.
રેઇડ ત્રાસવાદ સહિતના આરોપો બદલ દોષિત ઠરતાં હાલમાં કોલોરાડોની જેલમાં આજીવન કેદમાં છે. ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે એરપોર્ટ ખાતે સુરક્ષાના અન્ય નિયમોનો અમલ યથાવત રહેશે. તાજેતરમાં દાયકાઓમાં 11 સપ્ટેમ્બર, 2001ના હુમલા પછી અમેરિકી એરપોર્ટ સુરક્ષાના નવા નિયમો અમલી હોવાથી જ ભૂતકાળમાં ત્રાસવાદના હુમલાના બે પ્રયાસો ખાળવામાં સફળતા મળી હતી
