ભારત સરકારના ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે શુક્રવારે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ 210 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ, ભૂમિપૂજન કર્યું હતું. જેમાં 50 કરોડના ખર્ચે તૈયાર થનાર કલોલ-પાનસર રેલવે ઓવરબ્રિજ, ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર 50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજનું તેમજ એસ.જી.હાઈવેથી વિશ્વ ઉમિયાધામના રસ્તાને 17 કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાના કાર્યનું ઇ-ખાતમુહૂર્ત, રૂપાલ અને વાસણ ગામે તળાવના નવીનીકરણના કાર્યનું ભૂમિપૂજન તેમજ 85.65 કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે નવનિર્મિત ‘ચંદ્રશેખર આઝાદ નગર’ના 280 આવાસો, એસ.જી.હાઇવે પર તારાપુર ખાતે 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ છ માર્ગીય ફ્લાયઓવર, ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટરના 49.88 લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવીન સંકુલના ઇ-લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાણંદ તાલુકાના મોડાસર ગામે પણ વિવિધ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવતા સરખેજ- રાજકોટ ધોરી માર્ગ પરના સાત જેટલા છ માર્ગીય ફ્લાય ઓવરનું ઇ- લોકાર્પણ કર્યું હતું. મોડાસરના બાણગંગા તળાવના નવીનીકરણ અને બ્યુટીફિક્શનના કાર્યનું ખાતમુહુર્ત પણ કર્યું હતું.