શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં છેલ્લા ૧૫ વરસથી મેમનગર ગુરુકુલ તરફથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મેમનગર ગુરુકુલ દ્વારા અનેક સહયોગી સંસ્થાઓ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.
રથયાત્રાના પ્રસ્થાન પહેલા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ વેદના ગાન સાથે ઠાકોરજીનૂં પૂજન કર્યું હતું. ત્યારબાદ ૧૦૮ બહેનોએ પંચોપચાર પૂજન કરી જગન્નાથ ભગવાની આરતિ ઉતારી રક્ષાસુત્ર બાંધ્યું હતું. ઠાકોરજીના મુખ્ય રથની સાથે બીજા સામાજિક ધાર્મિક થીમ આધારિત ૧૫ જેટલા રથો જોડાયા હતા. દર્શનાર્થીઓને ખોબે ખોબે મગ, કાકડી અને ખારેકની પ્રસાદી વહેંચવામાં આવી હતી.
બે પ્રારંભ થયેલ નગરયાત્રા કરી રથયાત્રા સાંજે ૮ કલાકે મેમનગર ગુરુકુલમાં પહોંચી વિશાળ સભાના રુપમાં ફેરવાઇ હતી.
રથયાત્રા પાછળ પડેલ તમામ કચરો ગુરુકુલના સંતો સાથે સ્વયંસેવકોએ એકઠો કરી, યોગ્ય નિકાલ કર્યો હતો. એ તમામ સ્વયંસેવકોનુ સભામાં સન્માન કરવામા આવ્યું હતું.
વિદેશ યાત્રાપ્રવાસ કરી રહેલ પૂ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જગન્નાથ મંદિરનો ઇતિહાસ અને રથયાત્રાનો ઇતિહાસ કહ્યો હતો અને જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીનું મંદિર ખૂબ વિશાળ છે. આ મંદિર દસ એકરમાં પથરાયેલ છે. સમુદ્રની સપાટીથી મંદિરની ઊંચાઈ ૨૧૪ ફુટ છે. મંદિરના શિખર ઉપર વિશાળ સુદર્શન ચક્ર છે.
સભા પૂર્ણ થયા બાદ તમામ ભકતોને ગુરુકુલ મેમનગરમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.