પ્રતિકાત્મક તસવીર (istockphoto)

આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા. આ ઇકો કાર સુરતથી ભાવનગર લઇ રહી હતી અને તેમાં મૂળ ભાવનગરના વરતેજ ગામનો અજમેરી પરિવાર હતો. આ અકસ્માતમાં 5 પુરુષ, 2 મહિલા અને 2 બાળકો સહિત નવ જણના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હોવાના અહેવાલ મળ્યા હગતા. મૃતકો વરતેજ ગામના હોવાનું માનવામાં આવે છે.

આ અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતો.
અકસ્માતને પગલે અહીં ટ્રાફિકજામ થયો હતો. ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી હતી તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના તારાપુરના ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર અકસ્માતથી થયેલા મૃત્યુથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ…