બોલીવૂડના પીઢ કલાકાર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે અને યુવા અભિનેતા કાર્તિક આર્યનની નવી ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ તાજેતરમાં રિલીઝ થઇ હતી. 2019માં ‘પતિ પત્ની ઔર વો’ જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા પછી કાર્તિક આર્યન અને અનન્યા પાંડે ફરી એકવાર ફિલ્મી પડદે એકસાથે જોવા મળ્યા છે. આધુનિક વિચારધારામાં માનતા રેહાન (કાર્તિક)ના જીવનમાં 1990ના દસકાની લવસ્ટોરી ઇચ્છતી રૂમી (અનન્યા) પ્રવેશે છે અને પછી શરૂ થાય છે પ્રેમ, લાગણી, રોમાન્સ અને રમુજની ઉથલ-પાથલ.
ફિલ્મની કહાની મુજબ, રેહાન (કાર્તિક આર્યન) અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે. તેની મુલાકાત ભારતની બેસ્ટ સેલર ઓથર (સૌથી વધુ વેચાયેલા પુસ્તકની લેખિકા) રૂમિ વર્ધનની સાથે થાય છે. પ્રથમ મુલાકાતમાં જ તેમની વચ્ચે અણબનાવ જોવા મળે છે.
રેહાન ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન સમયને માણનારો મનમોજિલો યુવક છે, જ્યારે રૂમી શાંત અને કારર્કિદીને પ્રાથમિક આપનારી યુવતી છે. એકબીજાને પસંદ ન કરતા હોવા છતાં તેઓ એકબીજા સામે આવે છે, અને પછી તેમની વચ્ચે શરૂ થાય છે નાના-નાના ઝઘડાઓ, પ્રેમ અને રોમાન્સ. હવે આગળની સ્ટોરી જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મનું શૂટિંગ વિજેષમાં થયું છે.
આ ફિલ્મના અન્ય કલાકારોમાં જેકી શ્રોફ, નીના ગુપ્તા અને ટીકુ તલસાણિયાનો પણ સમાવેશ થાય છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ નિર્માણ પામેલી આ ફિલ્મનું દિગ્દર્શન સમીર વિદ્વાંસે કર્યું હતું.
કાર્તિક આર્યન પોતાની કોમેડી અને રોમેન્ટિક પ્રકારની ફિલ્મો માટે જાણીતો છે. યુવા અભિનેત્રી સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
કાર્તિકે ફિલ્મ સાથે જોડાયેલા અનુભવો જણાવતા કહ્યું હતું કે, ‘કોરિયોગ્રાફર રેમો ડિસોઝા સાથે કામ કરવું ખૂબ જ મનોરંજક રહ્યું. વિશાલ-શેખર, જુબિન નૌટિયાલ અને લકી અલી જેવા કલાકારોના ગીતોનો ભાગ બનવું મારા માટે ખુશીની વાત છે. રિયલ લાઇફમાં રોમાન્સ મળી રહ્યો નથી, તો રીલ લાઇફમાં જ તેને માણી લઇએ.’ જ્યારે અનન્યા પાંડેએ જણાવ્યું કે, તેને આવી ફિલ્મોમાં કામ કરવું ખૂબ ગમે છે અને તે ભવિષ્યમાં પણ આવી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છે છે.














