ગ્રેટર માંચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ (ફાઇલ તસવીર) . (Photo by Christopher Furlong/Getty Images)

લેબર પાર્ટીના 51 વર્ષીય એન્ડી બર્નહામ વિક્રમરૂપ 67.3% મત મેળવી ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકે બીજી ટર્મ માટે વિજયી થયા છે. આ વિજય સાથે બર્નહામની લોકપ્રિયતા એટલી વધી ગઇ છે કે તેઓ હાઉસ ઓફ કૉમન્સમાં ન હોવા છતાં, આગામી લેબર લીડર બનવા માટે બુકીઓના તેઓ મનપસંદ ઉમેદવાર બન્યા છે.

શ્રી બર્નહામે પોતાના ભાવનાત્મક વિજય ભાષણ પ્રવચનમાં પોતાના પરિવારનો તેમજ મત આપનાર સૌનો આભાર માન્યો હતો અને વચન આપ્યું હતું કે “બધા લોકો અને સમુદાયો” માટે તેઓ અવાજ બની રહેશે અને પાર્ટીના અભિગમને બદલે સ્થાનને અગ્રતા આપશે. તેમણે સારી નોકરીઓ, વધુ સારા મકાનો અને વધુ સારા પરિવહનને પોતાની ત્રણ પ્રાથમિકતાઓ ગણાવી નોર્થ ઇંગ્લેન્ડને ઉંચુ લાવવા સરકારને હાકલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “જ્યાં સુધી સરકાર યોગ્ય કરે છે અને અમારી સાથે સારો વ્યવહાર કરે છે ત્યાં હું તેમની સાથે કામ કરીશ પરંતુ જો તેઓ તેમ નહિં કરે તો હું તેમને બળપૂર્વક પડકાર આપીશ.  ગ્રેટર માન્ચેસ્ટરને કંઇ પણ ઓછું મેળવવાની અપેક્ષા નથી. આ જીતથી વેસ્ટમિંસ્ટરના તમામ પક્ષોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે અમને વધુ સત્તાની સોંપણી જોઇએ છે.’’

શ્રી બર્નહામના નજીકના હરીફ કૉન્ઝર્વેટિવ ઉમેદવાર લૌરા ઇવાન્સ હતા જેમણે માત્ર 19 ટકા  મત મેળવ્યા હતા, જ્યારે ગ્રીન ઉમેદવાર મેલેની હોરોક્સને 4.4 ટકા મત મળ્યા હતા. તેમણે 2017માં 63.4 ટકા મત મેળવ્યા હતા અને આ વર્ષે 5 ટકા જેટલું મત વધ્યા હતાં.

ગયા વર્ષે ગ્રેટર માન્ચેસ્ટરમાં કોરોનાવાયરસ પ્રતિબંધ અંગે શ્રી બર્નહામે સરકર સામે મોરચો માંડતા તેમને “ધ કિંગ ઓફ ધ નોર્થ”નું બિરૂદ આપવામાં આવ્યું હતું.