અનિલ અંબાણીએ ચીનની બેન્કોના દેવાને લગતા વિવાદમાં શુક્રવારે ઈગ્લેન્ડની કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે તેમની નેટવર્થ શૂન્ય છે, તેઓ દેવાળિયા છે, માટે દેવાની રકમ ચુકવી શકે તેમ નથી. પરિવારના લોકો પણ તેમની મદદ નહીં કરી શકે. જોકે, કોર્ટે અંબાણીના વકીલોની દલીલોને નકારી છ સપ્તાહમાં 10 કરોડ ડોલર 714 કરોડ રૂપિયા જમા કરવા આદેશ કર્યો છે. ચીનની ત્રણેય બેન્ક-ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈના, ચાઈના ડેવલપમેન્ટ બેન્ક અને એક્ઝિમ બેન્ક ઓફ ચાઈનાએ અંબાણી વિરુદ્ધ લંડનની અદાલતમાં કેસ કર્યો હતો.

આ બેન્કોએ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન (Rcom)ને 2012માં 70 કરોડ ડોલર (રૂપિયા 5,000 કરોડ)ની લોન આપી હતી. તે સમયે અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેઓ આ લોનની પર્સનલ ગેરન્ટી આપે છે, પણ ફેબ્રુઆરી,2017 બાદ કંપની લોન ચુકવવામાં ડિફોલ્ટ થઈ હતી. અદાલતમાં બેન્કોના વકીલે કહ્યું કે અંબાણી પાસે 11 અથવા વધારે લક્ઝરી કાર, એક પ્રાઈવેટ જેટ, એક યાટ અને દક્ષિણ મુંબઈમાં એક ખાસ સીવિંડ પેન્ટાહાઉસ છે. ન્યાયમૂર્તિ ડેવિડ વાક્સમેને પ્રશ્ન કર્યો હતો કે શું અંબાણી એ વાત પર ભાર આપે છે કે તેઓ વ્યક્તિગત રીતે દેવાળિયા થઈ ગયા છે. શું તેમણે ભારતમાં દેવાળિયાને લગતી અરજી કરી છે.

અનિલ અંબાણીના વકીલે નામાં જવાબ આપ્યો હતો. અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન છે અને તેમનું ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ગ્રુપ પર મોટા પ્રમાણમાં દેવાનો બોજ છે. અહેવાલ પ્રમાણે સપ્ટેમ્બર સુધીમાં ગ્રુપ પર 13.2 અબજ ડોલર (આશરે 93 હજાર કરોડ)ના દેવાનો બોજ છે. એરિક્શન સાથે પણ આ પ્રકારનો વિવાદ સામે આવ્યો હતો. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે એરિક્શનને રૂપિયા 550 કરોડની ચુકવણી કરવાની હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અનિલ અંબાણીએ દેવુ ચુકવવા માટે તૈયારી દર્શાવી હતી અને આ માટે મુકેશ અંબાણીએ મદદ કરી હતી.