ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે બુધવાર, 24 સપ્ટેમ્બરે રાજ્યના હાલના 21 તાલુકાઓમાંથી 17 નવા તાલુકાઓ બનાવવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી. કેબિનેટે નવા વાવ-થરાદ જિલ્લાની રચનાને પણ મંજૂરી પણ આપી હતી. વર્તમાન બનાસકાંઠા જિલ્લાના છ તાલુકા – વાવ, થરાદ, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખાણીનો સમાવેશ કરીને આ નવો જિલ્લો બનાવવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં ચાર, દાહોદ, અરવલી અને સુરત જિલ્લામાં બે-બે તથા ખેડા, મહિસાગર, પંચમહાલ, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર અને તાપી જિલ્લામાં એક-એક નવા તાલુકાનું સર્જન થશે. આમ હવે ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને 34 થશે અને તાલુકાની સંખ્યા વધીને 265 થશે.
કેબિનેટના નિર્ણયની માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે 17 નવા તાલુકાની રચના કરાશે. બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. આની સાથે હવે રાજ્યમાં કુલ તાલુકા વધીને 265 થઈ ગયા છે.
તેમણે જણાવ્યું હતું કે સરકારે રાજ્યના વહીવટમાં સરળતા રહે તે હેતુથી આ નિર્ણય લીધો છે. નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ કરવાના હેતુ સાથે આ નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે.
