Getty Images)

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1067 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ગઇ છે. જેની સાથે જ કોરોનાના કુલ કેસનો આંક હવે 87486 થયો છે. હાલ રાજ્યમાં 14686 એક્ટિવ કેસ છે અને 75 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં 15 જુલાઇ બાદ સૌથી ઓછો 13નો દૈનિક મૃત્યુઆંક નોંધાયો છે. અત્યારસુધી 2910 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 1021 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ ગુજરાતમાં હવે કોરોનાને હરાવનારાઓની સંખ્યા 70250 થઇ ગઇ છે.

સુરત શહેરમાં તબક્કાવાર કેસ ઘટી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 159 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હતી જ્યારે સુરત ગ્રામ્યમાં 70 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં દૈનિક 229 સાથે સુરતમાં કુલ કેસનો આંક હવે 18850 થયો છે. અમદાવાદ શહેરમાં 151-ગ્રામ્યમાં 14 એમ 165 સાથે કોરોનાના કુલ કેસનો આંક 30362 થયો છે. ઓગસ્ટ માસમાં અત્યારસુધી અમદાવાદમાં કોરોનાના 3845 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 120 સાથે વડોદરા, 98 સાથે રાજકોટ, 49 સાથે ભાવનગર, 27 સાથે પંચમહાલ, 26 સાથે ગાંધીનગર-જૂનાગઢ, 25 સાથે કચ્છ, 20 સાથે ગીર સોમનાથનો સમાવેશ થાય છે. કોરોનાના કુલ કેસનો આંક હવે રાજકોટમાં 4 હજાર, જામનગરમાં 2 હજાર, બનાસકાંઠામાં 1 હજારને પાર થયો છે. ગુજરાતના 16 જિલ્લાઓમાં કોરોનાના હવે 1 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ પાંચ વ્યક્તિના, અમદાવાદમાંથી 3ના, વડોદરામાંથી 2 ના જ્યારે ભાવનગરમાંથી 1ના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1688, સુરતમાં 596, વડોદરામાં 118, રાજકોટમાં 78, ભાવનગરમાં 40 થયો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 182, અમદાવાદમાંથી 164, ભાવનગરમાંથી 54, વડોદરા-જામનગરમાંથી 53 વ્યક્તિ કોરોનાથી સાજા થયા છે.

અત્યારસુધી અમદાવાદમાંથી સૌથી વધુ 25268, સુરતમાંથી 15756, વડોદરામાંથી 5584, રાજકોટમાંથી 2314, ભાવનગરમાંથી 2032 વ્યક્તિએ કોરોનાને હરાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 63065 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યારસુધી કુલ 18,19,198 કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 4.73 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.