વિશ્વમાં ઇલેકટ્રોનિક્સ આઇટમ્સ અને ગેજેટ્સ બનાવતી જાણીતી એપ્પલે તેના બે દસકા જુની એક મહત્ત્વની ડિવાઇસનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. આઈફોન બનાવતી કંપની એપ્પલે ગ્રાહકોમાં લોકપ્રિય એવા આઇપોડને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે આઇપોડ કેટેગરીની અંતિમ પ્રોડકટ, આઇપોડ ટચને પણ બંધ કરશે. આઈપોડ ટચ ઓક્ટોબર 2001માં પ્રથમ વખત વેચાણ માટે બજારમાં મુકવામાં આવ્યું હતુ અને તેનું ટચ-સ્ક્રીન મોડલ 2007માં શરૂ થયું હતું. આ બંને હવે સપ્લાયર્સ પાસે જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી જ વેચાણ થશે, કંપની હવે આ મોડેલનું કોઈ નવું ઉત્પાદન કરશે નહીં. એપ્પલે છેલ્લા 20 વર્ષમાં આઇપોડનાં 12 જેટલા વર્ઝન લોંચ કર્યા હતા પરંતુ આઈફોનના જ અન્ય ઉત્પાદનોએ આઈપોડનું સ્થાન લઇ લેતા કંપનીએ 2014થી વિવિધ મોડલ્સને તબક્કાવાર બંધ કરવાનું શરૂ કર્યું. તેની શરૂઆત 2014માં આઇપોડ ક્લાસિક બંધ કરવાથી થઈ હતી. ત્યારબાદ 2017માં એપ્પલે તેના સૌથી નાના મ્યુઝિક પ્લેયર્સ આઇપેડ નેનો અને આઇપોડ શફલ બનાવવાનું બંધ કર્યું હતું.
એપ્પલના ગ્લોબલ માર્કેટિંગના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગ્રેગ જોસવિકે જણાવ્યું હતું કે, અમે આઇફોન, એપ્પલ વોચથી હોમપોડ મિની અને મેક, આઇપેડ અને એપ્પલ ટીવી સુધી અમારા તમામ પ્રોડક્ટોને ઉત્તમ સંગીતસભર બનાવી રહ્યા છીએ. આજે ખુશી, દુઃખ અને ગર્વ સાથે જણાવવું પડે છે કે, એપ્પલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સ દ્વારા રજૂ કરાયેલ આઇપોડને કારણે લગભગ નાદારીના આરે પહોંચેલી કંપનીને આજે ત્રણ લાખ કરોડ ડોલરના બિઝનેસમાં ફેરવવામાં મદદ મળી છે.