Team of surgeon doctors

વિશ્વની સૌથી મોટા ખાનગી હોસ્પિટલ ગૃપ પૈકીના એક અને સમગ્ર એશિયામાં સવલતો ધરાવતી મલ્ટિ-બિલિયન ડૉલરની ભારતની એપોલો હોસ્પિટલ્સ ‘કેશ ફોર કિડની’ રેકેટમાં ફસાઇ હોવાનું બહાર આવ્યું છે.

એપોલો હોસ્પિટલ્સમાં વર્ષમાં 1,200થી વધુ ટ્રાન્સપ્લાન્ટ કરાય છે, જેમાં યુકે સહિત વિશ્વભરમાંથી શ્રીમંત દર્દીઓ ઓપરેશન માટે આવે છે. માનવ અંગો માટે નાણાંની ચૂકવણી કરવી ભારતમાં ગેરકાયદેસર છે, પરંતુ ટેલિગ્રાફ અખબારની તપાસમાં જાણવા મળ્યું છે કે મ્યાનમારના યુવાનોને એપોલોની પ્રતિષ્ઠિત દિલ્હીની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને સમૃદ્ધ બર્મીઝ દર્દીઓને તેમની કિડની દાન કરવા માટે નાણાંની ચૂકવણી કરવામાં આવે છે.

રેકેટની એક ‘એજન્ટ’એ અન્ડરકવર ટેલિગ્રાફ રિપોર્ટરને કહ્યું હતું કે ‘’તેમાં સામેલ લોકો બે સરકારો વચ્ચેના અવરોધોને દૂર કરવા માટે સાથે મળીને કામ કરે છે. હોસ્પિટલ “સત્તાવાર પ્રશ્નો પૂછે છે અને બીજી બાજુ તેઓ સત્તાવાર જૂઠું બોલે છે.’’

ભારતીય અને બર્મીઝ કાયદા હેઠળ, દર્દી સામાન્ય સંજોગોમાં અજાણી વ્યક્તિ પાસેથી અંગ દાન મેળવી શકતો ન હોવાથી આ કૌભાંડમાં દાતાઓને દર્દીઓના સંબંધીઓ તરીકે રજૂ કરવા માટે નકલી ઓળખ દસ્તાવેજો અને કૌટુંબિક ફોટોગ્રાફ્સ તૈયાર કરાય છે.

ભારતના અગ્રણી સર્જનોમાંના એક અને યુકેમાં તાલીમ લેનાર પદ્મશ્રી ડૉ. સંદીપ ગુલેરિયાનું નામ પ્રત્યારોપણ કરનારા સર્જન તરીકે દર્દીઓ અને એજન્ટો દ્વારા આપવામાં આવ્યું છે. જો કે તેમણે ટેલિગ્રાફ દ્વારા જાહેર કરાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશેની કોઈપણ જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો.

ધ ટેલિગ્રાફને સૌપ્રથમ જાણના મળ્યું હતું કે 58 વર્ષીય દર્દી, ડાઉ સો સોએ, સપ્ટેમ્બર 2022માં નવી કિડની માટે કુલ £31,000 ચૂકવ્યા હતા. તેનું ઓપરેશન દિલ્હીમાં એપોલોની ફ્લેગશિપ હોસ્પિટલ ઈન્દ્રપ્રસ્થ હોસ્પિટલમાં કરાયું હતું પરંતુ તેણી દાતા વિષે અજાણ હતી.

ટેલિગ્રાફના રિપોર્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એપોલોની મ્યાનમાર ઓફિસનો સંપર્ક કરતાં તેમને કહેવાયું હતું કે કોઈ અજાણી વ્યક્તિને કિડની દાન કરવા માટે મોકલવામાં આવશે. મ્યાનમારમાં એપોલો માટે કામ કરતા ડૉ. હેટેટ વાઇએ અન્ડરકવર રિપોર્ટરને કહ્યું હતું કે “દાતા શોધવાનું સરળ છે.”

એપોલો સાથે સંકળાયેલા ફ્યો ખાંટ હેઇને ટેલિગ્રાફને કહ્યું હતું કે, મ્યાનમારમાં 80 ટકા ટ્રાન્સપ્લાન્ટેશન અજાણ્યા લોકો વચ્ચે થાય છે. માત્ર 20 ટકા જ સંબંધીઓ હોય છે.” એજન્ટોએ રિપોર્ટરનો પરિચય 27 વર્ષીય પુરુષ સાથે કરાવ્યો હતો જે તેની કિડની વેચવા માંગે છે. તેણે કહ્યું હતું કે મારા એક કાકાએ પહેલાં આમ કર્યું છે અને હું પણ તે કરવા માંગુ છું. ”

NHS ડેટા દર્શાવે છે કે 2010 થી ઓછામાં ઓછા 158 NHS બ્રિટિશ દર્દીઓ અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છે અને 25 ટકા ઓપરેશન ભારતમાં કરવામાં આવ્યા હતા. એપોલો હોસ્પિટલ્સ અગાઉ કિડની રેકેટમાં ફસાઈ હતી, ઈન્દ્રપ્રસ્થ હોસ્પિટલના બે સેક્રેટરીયલ સ્ટાફની 2016માં દલાલો અને દાતાઓની ટોળકી સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરોપોની તપાસ ચાલુ છે. એપોલોએ તે સમયે કહ્યું હતું કે તે “દર્દીઓ અને હોસ્પિટલ સાથે છેતરપિંડી કરવા માટેના સુવ્યવસ્થિત ઓપરેશનનો ભોગ બની હતી.”

તે વખતે ભારતીય અખબાર ડેક્કન હેરાલ્ડે કિડની કૌભાંડ સંબંધે ડૉ. ગુલેરિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવે તેમ છે એવો અહેવાલ આપ્યો હતો. મ્યાનમારમાં યોજાતી એપોલો-બ્રાન્ડેડ ઇવેન્ટમાં ભાગ લેવા ડૉ. ગુલેરિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દિલ્હીથી સૈન્ય સંચાલિત મ્યાનમારની ત્રણ કલાકની ફ્લાઈટ લીધી હતી.

એપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે કોઈપણ ગેરરીતિનો ઇનકાર કરતાં કહ્યું હતું કે “ટેલિગ્રાફના અહેવાલની આંતરિક તપાસ શરૂ કરનાર છે. અંગ પ્રત્યારોપણને લગતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં અમારી ઇરાદાપૂર્વકની ભાગીદારી અથવા ગર્ભિત મંજૂરીના કોઈપણ સૂચનને સંપૂર્ણપણે નકારવામાં આવે છે. અમારી હોસ્પિટલોમાં અંગ પ્રત્યારોપણ કાયદાકીય અને નૈતિક રીતે હાથ ધરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે વ્યાપક તપાસ, સલામતી અને સિસ્ટમો છે. મ્યાનમારના વિદેશ મંત્રાલય અને તેની દિલ્હી દૂતાવાસ દ્વારા પ્રમાણિત ન થાય ત્યાં સુધી તેની મંજૂરી પ્રક્રિયા “હાથ ધરી શકાતી નથી”.

ટેલિગ્રાફે ટિપ્પણી માટે મ્યાનમારના વિદેશ મંત્રાલય, દિલ્હીમાં એમ્બેસી અને ભારતીય આરોગ્ય પ્રધાનનો સંપર્ક કર્યો હતો.

LEAVE A REPLY

eighteen − 12 =