પીઢ ગાયિકા અને સ્વ. આરડી બર્મનનાં પત્ની આશા ભોંસલેને આજ દિન સુધીમાં અનેક પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યા છે. હવે ગીત-સંગીત ક્ષેત્રે તેમના સન્માન બદલ તેમની ‘મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ’ માટે પસંદગી કરવામાં આવી છે. ભારત સરકારના સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટવીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. લતા મંગેશકરે પણ પોતાની નાની બહેનને આ સન્માન માટે અભિનંદન આપ્યા હતા.
પ્રકાશ જાવડેકરે ટ્વિટમાં જણાવ્યું હતું કે, ‘ભારતીય સંગીત ગાયિકા આશા તાઈ ભોંસલેને ‘મહારાષ્ટ્ર ભૂષણ’ એવોર્ડ 2020 માટે ખૂબ અભિનંદન’. અગાઉ વર્ષ 1997માં લતા મંગેશકરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આશા ભોંસલેએ જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે દ્વારા તેમને જાણ થઇ કે વર્ષ 2020 એવોર્ડ માટે તેમનું નામ પસંદ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના લોકો મને ખૂબ પ્રેમ કરે છે અને ઘણા વર્ષોથી મને પોતાના પરિવારનો ભાગ માને છે.
આ એવોર્ડ અંગેનો નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી પુરસ્કાર સમિતિની મીટિંગમાં લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણય પર આશા ભોંસલેએ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એક વીડિયો ટ્વિટ કર્યો હતો જેમાં તેમની પૌત્રીએ આશા ભોંસલેનો એક નાનો ઈન્ટરવ્યુ લીધો હતો. જેમાં તે આશા ભોંસલેને પૂછે છે કે, તમને મહારાષ્ટ્ર સરકારે ‘મહારાષ્ટ્ર ભૂષણ’ અવૉર્ડ આપવાનો નિર્ણય કર્યો છે, તમને કેવું લાગી રહ્યુ છે? આના જવાબમાં આશા ભોંસલે કહે છે કે તેમને ખૂબ જ સારુ લાગે છે.