બોલીવૂડમાં ઘણા ફિલ્મકારો ત્રણ-ચાર પેઢીથી સક્રિય છે. કપૂર ખાનદાનની ચોથી પેઢી અત્યારે ફિલ્મોમાં કાર્યરત છે. ધર્મેન્દ્રએ તેના પૌત્ર રાજવીર દેઓલની ફિલ્મમાં કારકિર્દી શરૂઆત કરવાની જાહેરાત કરી છે. હવે સની દેઓલનો બીજો પુત્ર રાજવીર ફિલ્મમાં પદાર્પણ કરી રહ્યો છે. ધર્મેન્દ્રએ પોતાના ટ્વિટર એકાઉન્ટર પર રાજવીર અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘મારો પૌત્ર રાજવીર દેઓલ અવનિશ બડજાત્યા સાથે સિનેમાની દુનિયામાં પ્રવેશી રહ્યો છે. મારી તમને પ્રાર્થના છે કે, તમે પણ આ બંન્ને બાળકો પર એવી રીતે પ્રેમ વરસાવો જેવી રીતે તમે મારી પર વરસાવ્યો છે. ગૂડલક અને ગોડ બ્લેસ. આ, અવનીશ બડજાત્યાની પણ આ પ્રથમ ફિલ્મ છે.’
કહેવાય છે કે, રાજવીર-અવનિશની આ પ્રથમ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી હશે. બીજી તરફ અતુલ અગ્નિહોત્રી અને અલવીરા ખાનની પુત્રી અલિઝેહની પ્રથમ ફિલ્મ પણ રાજશ્રી બેનરની હશે. તેમના અંગે એવું પણ કહેવાય છે કે, રાજવીર અને અલિઝેહ એક સાથે ફિલ્મમાં જોવા મળી શકે છે.