. (Photo by Chris Hyde/Getty Images)

એશિઝ 2021 જંગની બીજી ટેસ્ટ મેચમાં સોમવારે પાંચમાં દિવસે ઓસ્ટ્રેલિયાનો ઇંગ્લેન્ડ સામે 275 રને ભવ્ય વિજય થયો હતો. એડિલેઇડ ખાતેની આ ડે-નાઇટ ટેસ્ટમાં જીત માટે 468 રનના ટાર્ગેટનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 192 રનમાં ઓલઆઉટ થઈ હતી. બંને દેશો વચ્ચેના એશીઝ જંગની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. આમ આ સિરિઝમાં ઓસ્ટ્રેલિયાએ 2-0ની લીડ મેળવી છે.

લાબુશેન અને હેડની અડધી સદીઓ બાદ ફાસ્ટરોના આક્રમક દેખાવને સહારે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની એશિઝની બીજી ડે-નાઈટ ટેસ્ટમાં જીતનો તખ્તો ચોથા દિવસના અંતે તૈયાર કરી દીધો હતો. પ્રથમ ઈનિંગને સહારે ૨૩૭ રનની સરસાઈ બાદ ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગ ૯ વિકેટે ૨૩૦ના સ્કોર પર ડિકલેર કરી હતી. જે પછી ઈંગ્લેન્ડે જીતવા માટે મળેલા ૪૬૮ના પડકાર સામે ચોથા દિવસની રમતના અંતે ચાર વિકેટે ૮૨ રન નોંધાવ્યા હતા.

બીજી ટેસ્ટમાં ચોથા દિવસની રમતમાં કુલ મળીને ૨૬૭ રન નોંધાયા હતા અને ૧૨ વિકેટ પડી હતી. હેરિસ (૨૧) અને નેસેર (૨)ની જોડીએ ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગને એક વિકેટે ૪૫ના સ્કોરથી આગળ ધપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ ગઈકાલના સ્કોરમાં વધુ ૧૮૫ રન જોડતાં વધુ ૮ વિકેટ ગુમાવી હતી અને તેની બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનારા લાબુશેને ૯૬ બોલમાં ૬ ચોગ્ગા સાથે ૫૧ રન નોંધાવ્યા હતા. નેસેર ૩ અને હેરિસ ૨૩ રને આઉટ થયા હતા. સ્મિથ માત્ર ૬ રને રોબિન્સનનો શિકાર બન્યો હતો. જોકે હેડે ૫૪ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૫૧ રનનોંધાવ્યા હતા. રોબિન્સન, રૂટ અને મલાને ૨-૨ વિકેટ ઝડપી હતી.

જીતવા માટેના ૪૬૮ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ઈંગ્લેન્ડની ઈનિંગનો પ્રારંભ ટી બ્રેક પહેલા જ થયો હતો. ઝાય રિચાર્ડસને ઈનિંગની બીજી ઓવરના આખરી બોલ પર ઓપનર હામિદને વિકેટકિપર કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ટી બ્રેક વખતે ઈંગ્લેન્ડનો સ્કોર ૨૦/૧ હતો. નેસેરે મલાનના ૫૨ બોલમાં ૨૦ રનના સંઘર્ષનો અંત આણતા તેને લેગબિફોર વિકેટ કર્યો હતો. જે પછી ઝાય રિચાર્ડસને બર્ન્સ (૩૪)ની વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડે ૭૦ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. સ્ટાર્કનો બોલ વાગતા રૃટ ઈજાગ્રસ્ત બન્યો હતો. જે પછી સ્ટાર્કે રૃટ(૨૪)ને વિકેટકિપર કેરીના હાથે કેચ આઉટ કરાવતા ઈંગ્લેન્ડે ૮૨ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી અને ચોથા દિવસની રમત પુરી થઈ હતી.