• પ્રમોદ થોમસ દ્વારા

તા. 4ના રોજ ગયા ગુરુવારે જાહેર થયેલા ચૂંટણી પંચના ડેટા મુજબ આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં એશિયન કંપનીઓ અને દાતાઓએ વિવિધ રાજકીય પક્ષોને ઉદારતાથી યોગદાન આપ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે કન્ઝર્વેટિવ્સને કુલ £7 મિલિયનનું જ્યારે લેબરને £2.6 મિલિયનનું દાન આપવામાં આવ્યું હતું. નવીનતમ યાદીમાં એશિયન સ્થાપકો ધરાવતી કંપનીઓ પણ મુખ્ય સ્થાન ધરાવે છે.

લંડન સ્થિત પ્રાઇવેટ કેપિટલ નિષ્ણાત સુનૈના હલ્દિયા વ્યક્તિગત દાતાઓની યાદીમાં ટોચ પર છે. તેમણે સપ્ટેમ્બરમાં કન્ઝર્વેટિવ પાર્ટીને £50,000નું દાન આપ્યું હતું, જ્યારે બિઝનેસ ટાયકૂન સુધીર ચૌધરીએ જુલાઈ અને સપ્ટેમ્બર દરમિયાન લિબરલ ડેમોક્રેટ્સને £27,499ની સંયુક્ત રકમ દાન આપી હતી.

ઉદ્યોગસાહસિકો કમલ, સુનિલ અને વ્રજ પાનખાણીયા સાથે સંકળાયેલી પ્રોપર્ટી ફર્મ વેસ્ટકોમ્બ ડેવલપમેન્ટ્સ લિમિટેડે ઓગસ્ટમાં કન્ઝર્વેટિવ્સને £100,000નું દાન આપ્યું હતું. વેસ્ટકોમ્બ ઐતિહાસિક ગ્રેડ I અને ગ્રેડ II લિસ્ટેડ બિલ્ડીંગ્સને રેસિડેન્શીયલ મિલકતોમાં રૂપાંતરિત કરવા માટે જાણીતું છે.

કૂલેશ શાહ અને તેમના પુત્ર નિખિલ શાહના નેતૃત્વ હેઠળની લંડન ટાઉન ગ્રુપ ઓફ કંપનીઝ લિમિટેડે કન્ઝર્વેટિવ્સને £50,000નું દાન કર્યું હતું. કુલેશ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ પણ છે અને કુલેશ શાહ પોતાના ફેમિલી ફાઉન્ડેશન દ્વારા ફિલાન્થ્રોપી પહેલ ચલાવે છે.

સર અનવર પરવેઝ દ્વારા સ્થાપિત બેસ્ટવે હોલસેલ લિમિટેડે ટોરી પક્ષને £50,000 આપ્યા હતા. તેમની કંપની યુકેના સૌથી મોટી ઇન્ડિરેન્ડન્ટ ફૂડ અને ડ્રિંક્સના હોલસેલ વેપારીઓમાંની એક છે. ઉદ્યોગસાહસિક મલિક કરીમ દ્વારા સ્થાપિત ફેન્ચર્ચ એડવાઇઝરી પાર્ટનર્સે પાર્ટીને £28,000 આપ્યા હતા.

ડાયરેક્ટર ઓફ ઇલેક્ટરોલ એડમિનિસ્ટ્રેશન અને રેગ્યુલેશન જેકી કિલીને જણાવ્યું હતું કે, “યુકે રાજકીય નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતાનું ઉચ્ચ સ્તર ધરાવે છે, અને અમે જાણીએ છીએ કે મતદારોને રસ છે કે પક્ષો તેમના પૈસા ક્યાંથી મેળવે છે. આ ત્રિમાસિક પ્રકાશન જે તે પક્ષને મળેલા દાનની માહિતી મતદારો સુધી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.”

આ વર્ષે પાર્ટીના દાતાઓની યાદીમાં પહેલી વાર હલ્ડિયાનો સમાવેશ થયો હતો. તેમણે સેબાઇલ કેપિટલ (પ્રાઇવેટ કેપિટલ એડવાઇઝરી) ની સ્થાપના કરી હતી, જેને રેમન્ડ જેમ્સ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી, અને હવે તેઓ વૈશ્વિક પ્રાઇવેટ-ઇક્વિટી એડવાઇઝરી સેક્ટરમાં વરિષ્ઠ ભૂમિકાઓ ધરાવે છે.

ભારતમાં જન્મેલા, હલ્ડિયાને નાણાકીય ક્ષેત્રમાં અગ્રણી વ્યક્તિ અને પ્રાઇવેટ ઇક્વિટીમાં ડાઉવર્સિટી માટે ઝુંબેશ ચલાવનાર તરીકે જોવામાં આવે છે.

અનુભવી ઉદ્યોગપતિ સુધીર ચૌધરી તેમના વૈવિધ્યસભર પોર્ટફોલિયો માટે જાણીતા છે, જેમાં હેલ્થકેર અને પ્રોપર્ટીના હિતો શામેલ છે અને તેઓ લિબરલ ડેમોક્રેટ્સના લાંબા સમયથી રાજકીય દાતા છે.

કોન્ઝર્વેટિવ્સને એશિયન દાનનો મોટો ફાયદો થયો

મનદીપ સિંહે ઓગસ્ટમાં £25,000 આપ્યા હતા, જ્યારે કરીમે £20,000 આપ્યા હતા. રોકટેલ સર્વિસીસ લિમિટેડના ડિરેક્ટર કરીમ પોલ નાખલા અને સુસાન એલિઝાબેથ નાખલાએ ત્રીજા ક્વાર્ટર દરમિયાન લેબર પાર્ટીને £10,000-10,000ના બે દાન આપ્યા હતા. ઉદ્યોગપતિ રમેશ દીવાને સપ્ટેમ્બરમાં લિબરલ ડેમોક્રેટ્સને £3,153 આપ્યા હતા.

દરમિયાન, મોહમ્મદ એ. ચોહાને જુલાઈમાં બે અલગ અલગ દાન દ્વારા ટોરીઝને £2,000નું અને ગ્લાસ એક્સપ્રેસ મિડલેન્ડ્સ લિમિટેડના ડિરેક્ટર અરુણ ફોટેએ જુલાઈમાં ટોરીઝને £7,500નું દાન આપ્યું હતું.

છેલ્લા ક્વાર્ટર દરમિયાન, નાઇજેલ ફરાજની આગેવાની હેઠળની રિફોર્મ પાર્ટીને ઉદ્યોગપતિ ક્રિસ્ટોફર હાર્બર્ન પાસેથી £9 મિલિયનનું દાન મળ્યું હતું, જે બ્રિટિશ ઇતિહાસના સૌથી મોટા રાજકીય દાન પૈકીનું એક છે. ક્રિપ્ટોટેકનોલોજીમાં રોકાણ કરનાર એવિએશન એન્ટ્રપ્રેન્યોર હાર્બર્નનું યોગદાન 2022માં ટોરીઝને અપાયેલ રેકોર્ડ દાન £10 મિલિયન દાનથી થોડું ઓછું હતું. તે દાન સાથે કુલ £10.5 મિલિયનનું રાજકીય દાન મેળવી રિફોર્મને ટોચના સ્થાને આવ્યું હતું.

ચૂંટણી પંચના ડેટા દર્શાવે છે કે લંડન સ્થિત ડૉ. અરુજુના શિવનાથન અને કાર્તિકા શિવનાથનના નેતૃત્વ હેઠળની કેર ફર્મ ગુડકેર લિમિટેડે સપ્ટેમ્બરમાં રિફોર્મ યુકેને £10,000નું દાન આપ્યું હતું.

કિલીને કહ્યું હતું કે  “અમે જાણીએ છીએ કે સિસ્ટમના કેટલાક ભાગોને મજબૂત બનાવવાની જરૂર છે, અને અમે કેટલાક સમયથી કાયદામાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યા છીએ. યુકે સરકાર દ્વારા રાજકીય નાણાકીય વ્યવસ્થામાં પ્રસ્તાવિત સુધારાઓ દાનના નિયંત્રણોની મજબૂતાઈને સુધારવાની અને મતદારોને રાજકીય નાણાકીય વ્યવસ્થામાં વિશ્વાસ રાખવાની ખાતરી કરવામાં મદદ કરવાની ક્ષમતા ધરાવે છે. અમે સરકાર સાથે કામ કરવાનું ચાલુ રાખીશું જેથી કોઈપણ ફેરફારો પુરાવા આધારિત અને વ્યવહારમાં કાર્યક્ષમ હોય.”

LEAVE A REPLY