ઓસ્ટ્રેલિયાના પર્થ નજીક વુરોલુ ખાતેની આગને અંકુશમાં લેવા માટે ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસ કામગીરી હાથ ધરી હતી. (AAP Image/Supplied by Department of Fire And Emergency Services, Evan Collis/via REUTERS )

ઓસ્ટ્રેલિયાના પશ્ચિમી દરિયા કિનારાના શહેર પર્થની ઉત્તરપૂર્વમાં ગયા સપ્તાહે લાગેલી ભીષણ આગમાં આશરે 60 મકાન બળીને ખાક થઇ ગયા હતા. લગભગ 7000 હેકટરની આગ 60 કિમી સુધી પ્રસરી ગઇ હતી. સોમવાર, 1 ફેબ્રુઆરીની રાતથી આગની શરૂઆત થઇ હતી જે છેક મંગળવારની વહેલી સવાર સુધી બુઝાવી શકાઇ ન હતી.આગ વુરૂલુથી શરૂ થઇને મુનડેરિંગ,ચિટરિંગ, નોર્હામ અને સ્વાન શહેર સુધી પ્રસરી જતા સત્તાવાળા ચિંતિત બન્યા હતા.

સ્વાનના મેયર કેવિન બેઇલીએ કહ્યું હતું કે 30 કરતાં વધુ મકાનો આગમાં લપેટાયા હતા.’ અમે ઘરના સભ્યો તરફથી આગના સમાચારની પુષ્ટીની રાહ જોઇ રહ્યા છીએ, જો કે અમે 30 કરતાં પણ વધુ ઘરોને અસર કરી હોય એવું માની રહ્યા છીએ’ તેમણે માધ્યમોને કહ્યું હતું. આગ બુઝાવવાની કામગીરી કરતાં કરતા એક ફાયરફાઇટરને ધુમાડાની ગંભીર અસર થઇ હોવાનું તેમણે કહ્યું હતું.

તે સિવાય અન્ય કોઇ ઘાયલ થયો નહતો. પશ્ચિમી ઓસ્ટ્રેલિયા રાજ્યના ફાયર વિભાગે કહ્યું હતું કે  મંગળવાર સુધીમાં 6667 હેકટર જમીનમાં આગ પ્રસરી ગઇ હતી.વુરૂલુથી વાલિયુંગા નેશનલ પાર્ક સુધી મંગળવારે 25 કિમીના વિસ્તારમાં રહેતા લોકોને ત્યાંથી ખસી જવા તૈયાર રહેવા ચેતવણી અપાઇ હતી. ‘ તમારા ઘર સુધી આગ આવે તે પેહલાં આશ્રય શોધી લેજો.

જ્વાળાઓ તમારા સુધી આવીને સખત ગરમીમાં તમને શેકી જશે’એમ તેમણે કહ્યું હતું. છ  ફાયરફાઇટરોને હળવી ઇજા થઇ હતી અને 60 મકાનો બળી ગયા હતા. રાજ્યના  મુખ્ય મંત્રી માર્ક મેકગોવાને કહ્યું હતું કે પર્થના ઉત્તરપશ્ચિમે ગિડગેગન્ન્માં 80 ટકા ઇમારતોને નુકસાન થયું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે  આગ બુઝાવવા માટે દેશના પૂર્વિય કિનારેથી એરીયલ ટેન્કરો મોકલવામાં  આવી રહ્યા હતા.

તેમણે નગરજનોને સલામત સ્થળે ખસી જવા અને અન્યોને પણ  આ સલાહ આપવા નાગરિકોને વિનંતી કરી હતી. અનેક જગ્યાએથી લોકોએ મદદનો પોકાર કર્યો હતો. કેટલાક ઘરોમાંથી તેમને બચાવવાના ફોન પણ આવ્યા હતા. અર્ઘ શહેરી વિસ્તારોમાં પણ આગની જ્વાળાઓ પ્રસરી જતાં શહેરના સત્તાવાળાઓએ નાગરિકોને સાવધ રહેવા કહ્યું હતું.