અવિકા ગોરે ભારતીય ટેલીવિઝન-ટેલીવૂડમાં પોતાનું અનોખું સ્થાન ઊભું કર્યું છે. આ બ્લ્યુ આંખો ધરાવતી અવિકા તેના વધુ શારીરિક વજનના કારણે ટીકાને પાત્ર બની હતી. પરંતુ તેણે આ આફતને અવસરમાં પલટી છે. તેણે હવે મહેનત કરીને પોતાનું શરીર સુડોળ બનાવ્યું હોવાનું કહેવાય છે. તે રોજ સખત કસરત અને 15 હજારથી વધુ ડગલાંનું વોકિંગ કરતી હતી. અહીં અવિકા ગોરે તેની ફિટનેસ જર્નીની વાત કરી છે જે ઘણી રસપ્રદ છે.

અવિકા ગોરને નૃત્યનો શોખ તો બાળપણથી જ હતો તે ચાર વર્ષની હતી ત્યારે પણ ડાન્સર જ હતી. જોકે ટીવીના વિવિધ પ્રોજેક્ટ્સ કરતા કરતા તે તેની ફિટનેસમાં ધ્યાન ન આપી શકી અને શરીર પ્રમાણથી વધુ હેવી બની ગયું ત્યારે વજન હતું 74 કિલો ! અવિકા કહે છે, ‘હું ઘણીવાર તો રડી પડતી, મારું શરીર કેવું થઇ ગયું તેનું પણ ધ્યાન નહોતી રાખતી. હું જંક-ફૂડ ખાતી હતી. મને રોલ્સ મળતા, પણ એ બધા સરખા હતા. મને તેમાં વિવિધતા નહોતી દેખાતી. તેની અસર મારા પર પણ પડતી. મને રોમાંચક ભૂમિકા જોઇતી, જેથી લોકો જાણી શકે કે હું તો આથી પણ સારી ભૂમિકા ભજવી શકું છું.

આ પછી તો મેં ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, જે 90 થી 120 મિનિટનું હતું. જેમાં હું તમામ પ્રકારની શારીરિક કસરતો કરી લેતી મેં વેઇટ-ટ્રેનિંગ શરૂ કર્યું. કાર્ડિયો ઉપરાંત ડાન્સિંગ અને બોક્સિંગ શરૂ કર્યું. મેં ભોજન ટેવ પણ બદલી નાખી. …અને ધીમે ધીમે મારું શરીર સુડોળ બન્યું.’