(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

બોલીવૂડમાં એક અનોખી ફિલ્મનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ ફિલ્મમાં ત્રણ જુદા જુદા અભિનેતા ટ્રિપલ રોલ કરશે અને મોટી સંખ્યામાં અભિનેત્રીઓ પણ જોવા મળશે.

સલમાન ખાનની ફિલ્મ નો એન્ટ્રી વર્ષ 2005માં રિલીઝ થઇ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપર-ડુપર હિટ થઇ હતી. હવે લાંબા સમયથી આ ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી છે, તેનું નામ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ હોવાનું કહેવાય છે. જોકે આ ફિલ્મની સિકવલ બનાવવાની યોજનાની ચર્ચા ઘણી વખત થઇ છે, પરંતુ પછી પડતી મુકાઇ છે. જોકે, હવે રિપોર્ટ છે કે, આ ફિલ્મના સર્જકે તૈયારી ફરીથી શરૂ કરી છે.

સલમાન ખાને તાજેતરમાં પોતાના જન્મદિને આ ફિલ્મની સિકવલની અનિસ બઝમી સાથેની જાહેરાત કરી હતી. સલમાને જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં જ આ કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. કહેવાય છે કે, આ સિકવલ ફિલ્મમાં સલમાન ખાન ટ્રિપલ ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં સલમાનની સાથે અનિલ કપૂર અને ફરદીન ખાન પણ ટ્રિપલ ભૂમિકામાં જોવા મળશે. સૂત્રો કહે છે કે ડાયરેક્ટર આ નવ પાત્રો માટે નવ અભિનેત્રીઓને કાસ્ટ કરવામાં વ્યસ્ત છે. જેમાંથી ચાર અભિનેત્રીઓની પસંદગી થઇ ગઇ છે.

આ નવ અભિનેત્રીઓમાંથી બિપાશા બાસુ, સેલિના જેટલી, લારા દત્તા અને ડેઇઝી શાહનો સમાવેશ થાય છે. ડેઇઝી સલમાનના કોઇ એક પાત્ર સામે જોવા મળશે. ફિલ્મમાં તેનો કેમિયો અને ડાન્સ હશે.