(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

યુવા અભિનેતા આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે તે બૉક્સ-ઑફિસના નંબર્સને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટની પસંદગી નથી કરતો. તેણે ‘વિકી ડોનર’થી બોલીવૂડમાં પ્રવેશ કર્યો છે. તેની ‘ચંડીગઢ કરે આશિકી’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મોની પસંદગી વિશે આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે ‘મેં જ્યારથી ‘વિકી ડોનર’થી શરૂઆત કરી, ફિલ્મોની પસંદગી એવા વિષય પર કરી છે કે જેને સામાજિક રીતે બિનપરંપરાગત અને બાધિત માનવામાં આવી છે. મને એવું લાગે છે કે ભારતમાં આવી ફિલ્મો બનાવવાની જરૂર છે. મને એવું લાગે છે કે એવા વિષયો પર પ્રકાશ પાડવો જોઈએ.

‘ચંડીગઢ કરે આશિકી’ મારી ફિલ્મોગ્રાફીમાં એક એવી ફિલ્મ છે જેના પર મને અતિશય ગર્વ છે. હું નસીબદાર છું કે મને અભિષેક કપૂર જેવો ક્રીએટિવ પાર્ટનર મળ્યો કે જેને પણ ભારતની ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના મુદ્દાઓ પર ધ્યાન દોરવાનું અગત્યનું લાગ્યું છે. આ વિષયને સુસંગત અને મેઇનસ્ટ્રીમમાં લાવવાનો અમારો પ્રયાસ હતો. મને આશા છે કે આવનારા દિવસોમાં આ ફિલ્મ અમારા ઉદ્દેશને સાકાર કરશે.’

સ્ક્રિપ્ટની પસંદગી વિશે આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે, ‘હું કોઈ પણ ફિલ્મોને પસંદ કરતા અગાઉ બૉક્સ-ઑફિસના આંકડાને દિમાગમાં નથી રાખતો. હું એવી રીતે નથી ઘડાયો અને મને લાગે છે કે લોકો પણ મારી પાસેથી કંઈ સલામત બાબતની અપેક્ષા નહીં રાખતા હોય. એથી એમ કહી શકાય કે ‘ચંડીગઢ કરે આશિકી’ મારી અત્યાર સુધીની સૌથી વધુ રિસ્કી ફિલ્મ છે અને ફિલ્મનું આઉટપુટ શું હશે એનાથી કોઈ ફરક નથી પડતો. હું આગળ પણ રિસ્ક લેતો રહીશ, કારણ કે હું પણ એક માનવ છું. સમાજના કલ્યાણ માટે જો હું ચર્ચા શરૂ કરું તો એનું પરિણામ શું આવશે એની ચિંતા કર્યા વગર હું એ કામ કરીશ. મારા દિલની વાત સાંભળીને હું ફિલ્મો પસંદ કરું છું અને ભવિષ્યમાં પણ હું એ કરતો રહીશ. હું મનોરંજન પૂરું પાડનારો છું અને મારી ફિલ્મો દ્વારા હું લોકોને એ પૂરું પાડતો રહીશ. કોઈ પણ બાબત માટે હું પોતાને બદલીશ નહીં.’