યુકેમાં કોરોનાવાયરસના કારણે બીમાર થયેલી અને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયેલી 4,2૨7 સગર્ભા સ્ત્રીઓમાંથી 55% મહિલાઓ શ્યામ અને લઘુમતી વંશીય (BAME) પૃષ્ઠભૂમિની હતી તેમ એક અધ્યયનમાં બહાર આવ્યું છે. રોયલ કોલેજ ઑફ મિડવાઇવ્સ (આરસીએમ)એ આ અંગે મિડવાઇફ્સ અને મેટરનિટી સપોર્ટ વર્કર્સને નવી ગાઇડલાઇન વિકસાવવા હાઇ એલર્ટ પર રહેવા અને નિદાન માટે થ્રેશોલ્ડ ઘટાડવાનું સૂચન કર્યું છે.

આ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે તા. 1 માર્ચથી 14 એપ્રિલ સુધી કોરોનાવાયરસના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલી 55% સગર્ભા સ્ત્રીઓ BAME પૃષ્ઠભૂમિની હતી. આ મહિલાઓ શ્વેત મહિલાઓ કરતાં કોરોનાવાયરસના કારણે ચાર ગણી સંખ્યામાં હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના હતી. વય અને સ્થુળતા કરતા સગર્ભાવસ્થા BAME સ્ત્રીઓ માટે કોરોનાવાયરસથી હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના માટે જવાબદાર હતી તેમ અભ્યાસ સૂચવે છે.

ગયા વર્ષે પ્રકાશિત એક અભ્યાસના તારણો મુજબ શ્વેત મહિલાઓની સરખામણીમાં ગર્ભાવસ્થા અને બાળજન્મને લગતી  ગૂંચવણોને કારણે શ્યામ મહિલાઓમાં મૃત્યુ પામવાની સંભાવના પાંચ ગણી અને એશિયન મહિલાઓમા મૃત્યુ પામવાની શક્યતા બે ગણી હોય છે. RCMએ BAME સગર્ભા મહિલાઓને વધતા જોખમ અંગે જાગૃતિ લાવવા અને મદદ મળી રહેશે તેની ખાતરી આપવા અભિયાન પણ શરૂ કર્યું છે.

આ અભ્યાસમાં 427 સગર્ભા સ્ત્રીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતુ અને હજી સુધી તેની પીઅર-સમીક્ષા કરવામાં આવી નથી. યુ.કે.ની હોસ્પિટલમાં કોરોનાવાયરસથી દાખલ 10 માંથી એક ગર્ભવતી મહિલાને રેસ્પીરેટરી કેરની જરૂર પડી હતી. જ્યારે પાંચ મહિલાઓ પોઝીટીવ ટેસ્ટ બાદ મરણ પામી હતી.

RCMના ડિરેક્ટર બિર્ટે હાર્લેવ-લામે જણાવ્યું હતું કે ‘’BAME બેકગ્રાઉન્ડની સગર્ભા સ્ત્રીઓએ માટે પ્રસૂતિ સેવાઓ ખુલ્લી છે અને અમે ઉપલબ્ધ છીએ. તેમણે વર્ચુઅલ કે રૂટિન એપોઇન્ટમેન્ટમાં આવવુ જોઇએ અને કંઇક ખોટુ હોય તો સંપર્ક કરવો જોઇએ.”