બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુઓ સામેની વ્યાપક હિંસાના મુખ્ય શકમંદની પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી. ઇકબાલે કુમિલામાં દુર્ગાપૂજા પંડાલમાં કુરાની નકલ મૂકી હતી અને તેનાથી ભારતના આ પડોશી દેશમાં હિન્દુઓના ઘરો અને મંદિરો પર મોટાપાયે હુમલા થયા હતા.પોલીસ હવે આ આરોપીની પૂછપરછ કરશે.
પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારની રાત્રે કોક્સ બઝાર એરિયામાંથી ઇકબાલ હુસેન ધરપકડ કરાઇ હતી. દુર્ગાપૂજા  દરમિયાન સોસિયલ મીડિયામાં ધાર્મિક પુસ્તકના અપમાનની પોસ્ટ બાદ ગયા બુધવારથી બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા ભડકી હતી.
પોલીસ હેડક્વાર્ટર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે કુમિલાના ઇકબાલ હુસેનની ધરપકડ કરી છે, તે એક સપ્તાહ સુધી ચાલેલા કોમી તોફાનોમાં મુખ્ય શકમંદ છે. પોલીસ અને બીજી ઇન્ટેલિજન્સ એજન્સીઓ હવે હુસેનની પૂછપરછ કરશે.
ટીવી ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું હતું કે 35 વર્ષના ઇકબાલ હુસેનને સુરક્ષાના બંદોબસ્ત સાથે કોક્સ બજારથી કુમિલા લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ માગવામાં આવશે.
બાંગ્લાદેશમાં 13 ઓક્ટોબરે કોમી હિંસા ભડકી ઉઠી હતી. દુર્ગા પૂજા પહેલા કુમિલામાં મા દુર્ગાના ચરણોમાં પવિત્ર કુરાનની નકલ મૂકવામાં આવી હોવાના અહેવાલો બાદ આ હિંસા ભડકી હતી. બાંગ્લાદેશ હિન્દુ-બુદ્ધિસ્ટ-ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે આ હિંસામાં 70 કરતાં વધુ મંદિરો, દુર્ગા પૂજા પંડાલ અને ઘણા હિન્દુ મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી અથવા સળગાવવામાં આવ્યા હતા. હિંસા ભડકાવવા માટે સોસિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે કુમિલા પૂજા પંડાલના સિક્યોરિટી કેમેરાના ફૂટેજને આધારે હુસેનને ઝડપી લેવા કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. ઇકબાનના પરિવારના લોકોએ દાવો કર્યો હતો કે તે માનસિક રીતે અસ્થિર છે. જોકે પોલીસે જણાવ્યું હતું કે આ દાવો સાચો હોય તો કેટલાંક સ્થાપિત હિતો આ હિંસા પાછળ જવાબદાર હોઇ શકે છે.