(PTI Photo)

દુર્ગા પૂજા દરિયાન મંદિરો પર હુમલા પછી શનિવારે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ સામે ફરીથી હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં બે હિન્દુઓનાં મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના બેગમગંજમાં આ હિંસા ભડકી હતી. જેમાં 200થી વધારે પ્રદર્શનકારીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. આ સમયે મંદિરમાં દુર્ગા પૂજાના અંતિમ દિવસે હિન્દુ ભક્તો દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી રહી હતી.

સ્થાનિક પોલીસ વડા શાહ ઈમરાને જણાવ્યું કે, શનિવારની સવારે મંદિરની નજીક આવેલ તળાવ પાસેથી એક હિન્દુ વ્યક્તિની લાશ મળી આવી હતી. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું કે, હુમલાખોરોએ શુક્રવારે મંદિર કમિટીના એક્ઝિક્યુટીવ સભ્યને ઢોર માર્યો હતો અને ધારદાર હથિયાર વડે તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગત રોજના હુમલામાં બે વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. અને અમે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે તેવું પણ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મુસ્લિમ બહુમતી ધરાવતાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે એ સમયે હિંસા ફાટી નીકળી, જ્યારે કમિલ્લા જિલ્લામાં દુર્ગા પંડાલમાં માતા દુર્ગાના પગમાં કુરાન પડી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. બુધવારે હાજિગંજમાં 500 લોકોનાં ટોળાંએ હિન્દુ મંદિર પર હુમલો કરી દીધો હતો. જે બાદ પોલીસે ગોળીબાર કરતાં 4 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અગાઉ હુમલાખોરોને ચેતવણી આપતાં કહ્યું છે કે, કમિલ્લામાં દુર્ગા પૂજા પંડાલ અને હિન્દુ મંદિરો પર હુમલો કરનાર આરોપીઓને બક્ષવામાં નહીં આવે, ભલે પછી તે ગમે તે ધર્મનાં કેમ ન હોય. કમિલ્લા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, અને એકપણ આરોપીને છોડવામાં નહીં આવે. કોઈપણ ધર્મનો વ્યક્તિ હશે, તેને પકડી લેવામાં આવશે અને તેને સજા આપવામાં આવશે તેવું પણ શેખ હસીનાએ કહ્યું હતું.