અમેરિકન સત્તાધિશોએ રીપબ્લિક ફર્સ્ટ બેન્કને બંધ કરી છે, જે એક પ્રાદેશિક ધિરાણકર્તા હતી. આ બેન્કનો બિઝનેસ ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને પેન્સિલવેનિયા જેવાં મોટાં શહેરોમાં ફેલાયેલો હતો. ફેડરલ ડીપોઝિટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (FDIC)એ તાજેતરમાં જણાવ્યું હતું કે, ફિલાડેલ્ફિયાની રીપબ્લિક બેન્કને સીઝ કરવામાં આવી છે. બેન્ક પાસે 31 જાન્યુઆરી સુધી 400 કરોડ ડોલરની ડીપોઝિટ હતી અને 600 કરોડ ડોલરની મિલકતો હતી.
પેન્સિલવેનિયાના લેન્ચેસ્ટરસ્થિત ફુલ્ટન બેન્કે આ બેન્કની તમામ ડીપોઝિટ્સ અને સંપત્તિ ખરીદવા માટે તૈયારી દર્શાવી છે. હવેથી રીપબ્લિક બેન્કની તમામ 32 શાખા ફુલ્ટન બેન્કની બ્રાન્ચ તરીકે કાર્ય કરશે. FDICએ કહ્યું હતું કે જે નાણા રીપબ્લિક ફર્સ્ટ બેન્કમાં જમા છે, તે ચેક કે ATM દ્વારા નીકાળી શકાશે.
રીપબ્લિક બેન્કના બંધ થવાથી ડીપોઝિટ ઇન્શ્યોરન્સ ફંડને 66.7 કરોડ ડોલરનું નુકસાન જવાની શક્યતા છે. આ વર્ષે બંધ થનારી તે પ્રથમ બેન્ક છે, જે FDIC અંતર્ગત કાર્યરત હતી. વર્તમાનમાં વધતા વ્યાજદરો અને કોમર્શિયલ પ્રોપર્ટીઝની કિંમતોમાં ઘટાડાને કારણે રીજનલ અને કો-ઓપરેટિવ બેન્કો માટે નાણાકીય જોખમ વધી ગયું છે. બેન્ક મિલકત સામે જે લોન આપતી હતી, એ મિલકતને પગલે રીફાઇનાન્સમાં મુશ્કેલીઓ આવી રહી છે.

LEAVE A REPLY

one × three =