BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનના યુવાન વોલંટીયર દેવ પટેલને તેજસ્વી યુવાનોની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપતા પ્રાઈડ ઓફ બ્રેન્ટ યુથ એવોર્ડ્સમાં બ્રેન્ટના મેયર કાઉન્સિલર લીયા કોલાસીકો દ્વારા વેમ્બલીના સિવિક સેન્ટરમાં યંગ લીડર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

2020-2021 દરમિયાન સ્થાનિક સમુદાય અને અન્ય લોકોને ટેકો આપવા માટે ઉપર અને તેનાથી આગળપહોંચનાર લોકોને, ખાસ કરીને કોવિડ-19 રોગચાળામાં પ્રસંશનીય કામગીરી કરનાર બ્રેન્ટના યુવાનોને આ વર્ષે પુરસ્કારો અપાયા હતા.

20 વર્ષનો દેવ, લૉનો વિદ્યાર્થી છે અને સોઆસ લંડન યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં ભણે છે. ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરનાર દેવે મુશ્કેલ સંજોગોમાં અવરોધોને પાર કરી નીસ્ડન ટેમ્પલના કનેક્ટ એન્ડ કેરપ્રોગ્રામ દ્વારા રોગચાળાના પ્રારંભિક સમયગાળા દરમિયાન વૃદ્ધો અને સૌથી નબળા લોકોને ટિફિન પહોંચાડવા સ્વયંસેવક બન્યા હતા.

દેવ મંદિરમાં પણ યુવા પ્રવૃત્તિઓ માટે મુખ્ય સ્વયંસેવક છે અને 2020માં મંદિરની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે વ્યક્તિઓની એક ટીમનું નેતૃત્વ કરવામાં મદદ કરી હતી. તેમના પ્રયાસોથી 100,000 થી વધુ ભક્તોને તેમના ઘરોમાંથી ઓનલાઈન આ ઉત્સવની ઉજવણીમાં ભાગ લેવામાં મદદ મળી હતી.

એવોર્ડ સ્વીકાર કરતા દેવે કહ્યું હતું કે  “હું પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જીવન સૂત્રથી પ્રેરિત છું. બીજાના આનંદમાં આપણો આનંદ સમાયેલો છે તેવા પૂ. મહંત સ્વામી મહારાજ સિદ્ધાંતો આપણને બધાને પ્રેરિત કરે છે. મંદિરે મને અને મારા જેવા અન્ય ઘણા લોકોને કોવિડની પ્રતિકૂળતા દરમિયાન સમુદાયને કંઈક આપવાની તક આપી છે. હું આ પુરસ્કાર મારા ગુરુઓને, મંદિરમાં દરેકને અને બીએપીએસના દરેક સ્વયંસેવકને સમર્પિત કરું છું જેમણે રોગચાળા દરમિયાન લોકોને સુરક્ષિત અને જોડાયેલા રાખવામાં મદદ કરી છે.’’