ભારતના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલ અને યુકેના ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસ વચ્ચે સોમવારે (તા. 13)ના રોજ વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. જેમાં બન્ને નેતાઓએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંતર્ગત આગળના પગલા તરીકે નવી દિલ્હી અને યુકે “અર્લી હાર્વેસ્ટ ટ્રેડ” કરાર તરફ આગળ વધવા અને ભારત-યુકે ટ્રેડ પાર્ટનરશીપ વધારવા માટે ફળદ્રુપ ચર્ચા કરી હતી. “અર્લી હાર્વેસ્ટ ટ્રેડ” કરાર તરફ આગળ વધતા બન્ને દેશો વ્યાપારી સંબંધો મજબૂત કરી વિસ્તૃત FTA તરફ આગળ વધી રહ્યા છે.

સુશ્રી ટ્રસે પોતાના ટ્વિટર નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’આગામી યુકે-ભારત ટ્રેડ ડીલ માટે પાયો નાખવા આજે પીયૂષ ગોયલ અને મેં વેપાર કાર્યકારી જૂથો શરૂ કર્યા છે. જે એક બિલિયનથી વધુ ગ્રાહકોની પહોંચ વધારશે; અમારા વિજ્ઞાન અને ટેક્નોલોજી ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે; અને બંને દેશોમાં નોકરીઓને ટેકો આપશે.’’

ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ (ડીઆઈટી)એ જણાવ્યું હતું કે ‘’યુકેની ઔપચારિક કન્સલ્ટેશન પ્રક્રિયા બંધ થયા બાદ યુકે-ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) માટે બન્ને મિનિસ્ટર “અવકાશ અને મહત્વાકાંક્ષા” પર પોતાની વાતચીત કેન્દ્રિત કરશે.’’

સોમવારની બેઠકના ડીઆઈટી રીડઆઉટ અનુસાર, “તેમણે પરામર્શના તારણોની ચર્ચા કરી હતી અને આ વર્ષના અંતમાં વાટાઘાટો શરૂ કરવા માટે તૈયાર થવા સંમતિ આપી હતી. જેમાં સપ્ટેમ્બરથી વર્કીંગ ટ્રેડ જૂથોની શ્રેણીનો સમાવેશ થાય છે. તેમણે એન્હેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશીપ બાબતે પણ ચર્ચા કરી હતી અને માર્કેટ એક્સેસ પેકેજના સમયસર અમલીકરણ માટે તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.”

યુકે સરકારે કહ્યું હતું કે ‘’આ નિયમિત મિનિસ્ટર લેવલના સંવાદો બંને પક્ષોને ટેરિફ, ધોરણો, આઈપી અને ડેટા રેગ્યુલેશન સહિત કોઈપણ વેપાર સોદામાં સંભવિત ક્ષેત્ર પર એકબીજાની સ્થિતિને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરીએ એક વેપાર કરારની વાટાઘાટો કરવાની તેમની મહત્વાકાંક્ષાની પુષ્ટિ કરી હતી જે બ્રિટિશ લોકો અને બિઝનેસીસ માટે ડિજિટલ અને ડેટા, ટેક અને ફૂડ અને પીણા સહિતના પરિણામો આપશે. બંને મિનિસ્ટર્સ સંમત થયા હતા કે આગામી વાટાઘાટો દરમિયાન વ્યાપારી સમુદાય સાથે જોડાણ ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે.’’

ડીઆઈટી પબ્લિક કન્સલ્ટેશનના તારણો ઔપચારિક વેપાર વાટાઘાટોની શરૂઆત પહેલા પ્રકાશિત કરશે.

યુકેની ટ્રેડ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, ફ્રી ટ્રેડ ડીલ યુકેના નિકાસકારોને ટેરિફ ઘટાડીને, નિયમનમાં સરળતા લાવીને અને દ્વિપક્ષીય વેપારને આગળ વધારવામાં મદદ કરશે, જે 2019માં કુલ £23 બિલિયન હતો. વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક તરીકે ભારતનું સ્થાન અને એક બિલિયનથી વધુ ગ્રાહકોનું ઘર જોતાં યુકે-ભારતના વધતા વેપારને યુકે દ્વારા “મોટી તક” તરીકે ઓળખવામાં આવે છે.

સુશ્રી ટ્રસે ગયા અઠવાડિયે યુકે-ભારત આર્થિક ભાગીદારીની ઉજવણી કરતી સિટી ઓફ લંડન કોર્પોરેશન ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, “હું યુકે અને ભારતને વેપારની ગતિશીલતાની મીઠી જગ્યામાં જોઉં છું. અમે એક વ્યાપક વ્યાપાર કરાર જોઈ રહ્યા છીએ જે નાણાકીય – કાનૂની સેવાઓથી લઈને ડિજિટલ અને ડેટા, તેમજ માલ અને કૃષિ સુધીનું બધું જ આવરી લે છે. અમને લાગે છે કે અમારા માટે વહેલા કરાર થવાની પ્રબળ સંભાવના છે. અમે બંને બાજુએ ટેરિફ ઘટાડીએ છીએ અને અમારા બંને દેશો વચ્ચે વધુ માલ વહેતો જોવા મળે છે.’’