બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાનિક સ્તરે ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ ગઢપુર (ગઢડા)ના આંગણે ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત રવિવારે, 8 માર્ચે ગઢડાની પવિત્ર ઘેલા નદીમાં બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પોનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિત હજારો સંતો-ભક્તોએ સમગ્ર વિશ્વમાંથી કોરોનાની મહામારીના શમન માટે ધૂન-પ્રાર્થના કરી હતી.
આ દિવસે મહોત્સવના વિશાળ સભામંડપમાં સૌરાષ્ટ્રના વંદનીય સંતો-મહંતોનું સંમેલન પણ યોજાયું હતું. આ પ્રસંગે અનેક ગણમાન્ય ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ અને ૫૦૦ પરમહંસોએ હજારો વખત સ્નાન કરીને ગઢડાની ઘેલા નદીને મહાપ્રસાદીભૂત કરી છે. આ મહાન તીર્થમાં બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. જેના પ્રારંભમાં વૈદિક મહાપૂજા બાદ પૂજ્ય વિવેકસાગર સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજનો મહિમા અને ગઢપુર સાથે જોડાયેલી તેઓની સ્મૃતિઓ વર્ણવી હતી.
ઉલ્લેખનીય છે કે આ પ્રસંગ માટે જ ૨૦૦ ઉપરાંત સંતો-ભક્તોએ દિવસો સુધી મહોત્સવ પૂર્વે ઘેલા નદીની સફાઈ કરી હતી. ત્યારબાદ સરકારની સહાયથી ઘેલા નદીના પુરુષોત્તમઘાટ, રમાઘાટ વગેરે સ્થાનો નૂતન સ્વચ્છ જળથી ભરી દેવામાં આવ્યા છે. નદીની વચ્ચોવચ પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું આસન તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બિરાજીને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય અસ્થિપુષ્પોનું મહાપ્રસાદીભૂત ઘેલા નદીમાં વિસર્જન કર્યું હતું. આ પ્રસંગથી ઘેલાની પવિત્રતામાં ઉમેરો થયો છે.
આ પ્રસંગે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને સંપ, સુહૃદભાવ અને એકતા માટેના આશીર્વચન પાઠવીને જણાવ્યું હતું કે બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે જે જીવનસૂત્ર આપ્યું કે ‘બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાનાં સુખમાં આપણું સુખ છે અને બીજાનાં ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે’ તેને જીવનમાં ઉતારવામાં આવે.
સાંજે સ્વામિનારાયણ નગરમાં સૌરાષ્ટ્ર પંથકના પૂજનીય સંતો-મહંતોનું વિશાળ સંતસંમેલન યોજાયું હતું. જેમાં સંસ્થાના વરિષ્ઠ સંતોએ વિશિષ્ટ વ્યાખ્યાનો આપ્યા હતા. આ સભામાં જૂના અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય ભારતી બાપુ, સતાધાર ગાદીના મહંત વિજયબાપુ, ચલાલા ગાદીના મહંત વલકુબાપુ, પાળીયાદ ગાદીના મહંત નિર્મલાબા અને તેમના સુપુત્ર ભઈલુબાપુ, હડદડના આત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાદેવગિરિજી, વિક્રમગિરિજી, કનૈયાગિરિજી, ઝીણારામબાપુ, કાણીરામબાપુ, રામબાપુ, ધીરજરામબાપુ, રામકિશોરબાપુ આદિ પૂજનીય સંતોએ સભા શોભાવી હતી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉપસ્થિત આ સર્વે મહેમાન સંતો-મહંતોનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. સૌ સંતોએ ઉપસ્થિત ભક્તજનો પર આશીર્વાદ વરસાવ્યા હતા.