અમેરિકાએ2019ના વર્ષમાં દર પાંચ એચ1બી અરજીઓ પૈકી એક અરજી ફગાવી દીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી એચ1બી વિઝાની મંજૂરીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છ. બીજી તરફ અમેરિકન કંપનીઓની સરખામણીમાં ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી ભારતીય કંપનીઓની એચ1બી અરજીઓનું ફગાવવાનું પ્રમાણ વધારે છે.
એચ1બી વિઝા નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને વિવિધ સેક્ટરના નિષ્ણાત વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા સ્થિત ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીનમાંથી હજારો કર્મચારીઓની ભરતી કરે છે.
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીએ જારી કરેલા આંકડા અનુસાર 2018ની સરખામણીમાં 2019માં એચ1બી અરજી રદ કરવાનું પ્રમાણ સહેજ ઓછું છે. 2018માં એચ1બી વિઝ રદ થવાનું પ્રમાણ 24 ટકા હતું જે ઘટીને 2019માં 21 ટકા થયું છે.
જો કે ભારતીય આઇટી કંપનીઓ ટાટા કન્સલટન્સી સર્વિસીસ(ટીસીએસ) અને વિપ્રો માટે એચ1બી વિઝા અરજીનો નકારવાનું પ્રમાણ ખૂબ વધારે છે જ્યારે બીજી બાજુ અમેરિકન ટેકનોલોજી એમેઝોન અને ગૂગલ દ્વારા કરાયેલ એચ1બી વિઝા અરજી રદ કરવાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આ અંગેના આંકડા પર નજર નાખીએ તો 2019માં ટીસીએસ અને ઇન્ફોસિસનો એચ1બી વિઝા અરજી નકારવાનો દર અનુક્રમે 31 ટકા અને 35 ટકા હતો. જ્યારે બીજી વિપ્રો અને ટેક મહિન્દ્રા માટે આ દર અનુક્રમે 47 અને 37 ટકા હતો.
બીજી તરફ અમેરિકન કંપનીઓ એમેઝોન માટે આ પ્રમાણ ચાર ટકા, ગૂગલ માટે ચાર ટકા, માઇક્રોસોફ્ટ માટે 6 ટકા, વોલમાર્ટ માટે ત્રણ ટકા અને ફેસબુક માટે પણ ત્રણ ટકા હતો.
ઉલ્લેખનીય છે કે 2020માં ટ્રમ્પ વહીવટીતંત્ર એચ1બી વિઝા માટેના નવા નિયમો જાહેર કરવાનું છે. આ નિયમોને કારણે અમેરિકામાં કાર્યરત કંપનીઓને વિદેશી કર્મચારીઓને અમેરિકામાં નોકરી પર રાખવા વધુ મુશ્કેલ બનશે.