દુબઈમાં એક્સ્પો 2020માં સ્વામીનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી અને અબુ ધાબીમાં નિર્માણાધીન બીએપીએસ હિન્દુ મંદિરનું મોડલ (ફોટો સૌજન્ય https://www.baps.org/

દુબઈમાં એક્સ્પો 2020માં હાજર રહેલા ગુજરાતના આઇએએસ અધિકારીઓ સહિતના 35 સભ્યોના પ્રતિનિધિમંડળે મંગળવાર, 5 ઓક્ટોબરે અબુ ધાબીમાં નિર્માણાધીન BAPS મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિમંડળના સભ્યો આ સાઇટની જોઇને મંત્રમુગ્ધ થયા હતા.

આઈએએસ એસ.જે. હૈદર દ્વારા આયોજિત આ પ્રતિનિધિમંડળમાં ગુજરાત સરકાર તરફથી આઈએએસ મમતા વર્મા, હરિત શુક્લ, રાહુલ ગુપ્તા અને આઈએફએસ નીલમ રાની હાજર રહ્યાં હતા. BAPS હિન્દુ મંદિરની આ મુલાકાત દરમિયાન ઉપસ્થિતોને મંદિરના ચાલુ બાંધકામ તેમજ અંતિમ ડિઝાઇન માટે આરસપહાણના કેન્દ્રીય સ્તંભ સ્થાપન પણ જોવાની તક મળી હતી.

આ મુલાકાતના ભાગરૂપે પ્રતિનિધિમંડળે ‘રિવર્સ ઓફ હાર્મની’ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રદર્શન બીએપીએસ હિન્દુ મંદિરનો સંવાદિતાનો હેતુ, ઇતિહાસ અને બાંધકામ દર્શાવે છે અને ત્રણ મોટા ડિજિટલ ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બાંધકામ સ્થળની મુલાકાત લેતી વખતે મમતા વર્માએ જણાવ્યું હતું કે, ‘આ ભૂમિ પર પગ મૂકવાથી મને ઘરમાં હોય એવી અનુભૂતિ થાય છે. હું એક નમ્ર પરિવારમાંથી આવું છું અને ધરતી સાથે જોડાયેલી છું. આ ભૂમિ મને અલગ લાગે છે. અહીં વિશેષ ઉર્જા અનુભવાય છે. જે અવર્ણનીય છે. હું આશા રાખું છું કે હું આ પ્રોજેક્ટના ભાગરૂપે હું સેવા આપી શકું. મને આનંદ છે કે અમે આ સાઇટની મુલાકાત લીધી, નહીં તો અમારી સફર અધૂરી રહી હોત’

સત્યાર્થ શ્રીવાસ્તવે જણાવ્યું કે, મંદિરોમાં આ મંદિરનું નિર્માણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. જે ‘વસુધૈવ કુટુમ્બકમ’નું સાચું ઉદાહરણ છે. એડવોકેટ ખુશ્બુ અગ્રવાલે નોંધ્યું હતું કે, સફરનો અસાધારણ અને ઉત્કૃષ્ટ ભાગ એ છે કે વિચારને અમલમાં મુકવાની વૈચારિક અને વાસ્તવિક યાત્રાને જાણી શક્યા.

આ મુલાકાત દરમિયાન હાજર રહેલા એક એક્ઝિક્યુટિવે કહ્યું કે જ્યારે મંદિરની મુલાકાત માટે શરૂઆતમાં આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે હું મૂંઝવણમાં હતો. મારી એક મહત્વની મીટિંગ હતી. જોકે, અહીંના અનુભવે મને ખોટો સાબિત કર્યો અને મને ખુશી છે કે મેં આ સ્થળની મુલાકાત લેવાનું પસંદ કર્યું, તે તમને હકારાત્મક ઊર્જા આપે છે -એક મંદિર વિશ્વ માટે ધાર્મિક સંવાદિતાનો પ્રસારનું કામ કરે છે. ‘રિવર્સ ઓફ હાર્મની’ પ્રદર્શન જાહેર જનતા માટે રિઝર્વેશન કરાવ્યા બાદ મુલાકાત માટે ખુલ્લું રહેશે.