ઉત્તરપ્રદેશમાં ચૂંટણીપ્રચારના ભાગરૂપે કોંગ્રેસે બરેલીમાં યોજેલી મેરેથોનમાં નાશભાગ મચતા ત્રણ યુવતીઓ ઘાયલ થઈ હતી. (PTI Photo)

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીપ્રચારના ભાગરૂપે કોંગ્રેસે બરેલીમાં યોજેલી મેરેથોનમાં નાશભાગ મચતા ત્રણ યુવતીઓ ઘાયલ થઈ હતી. મેરાથોનમાં ભીડ વધુ હોવાને કારણે આયોજકો વ્યવસ્થાઓ સંભાળી શક્યા ન હતા. જોકે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે જિલ્લા વહીવટીતંત્રની બેદરકારીને કારણે આ ઘટના બની હતી. કોંગ્રેસે તેને એક ષડયંત્ર પણ ગણાવ્યું હતું. ભાજપે જણાવ્યું હતું કે કોંગ્રેસ ક્ષુલ્લક રાજકારણ માટે યુવતીઓને પ્યાદા બનાવી રહી છે. આ ઘટના કોંગ્રેસ માટે શરમજનક છે.

સિટી મેજિસ્ટ્રેટ રાજીવ પાંડેએ જણાવ્યું હતું કે 200 બાળકોને મંજૂરી આપવામાં આવી હતી, જોકે આ કાર્યક્રમમાં વાસ્તવમાં ઘણા વધુ લોકો ઉપસ્થિત થયા હતા. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરાશે અને ગુનેગારો સામે કાર્યવાહી થશે. ઘાયલ થયેલી ત્રણ યુવતીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પ્રિયંકા ગાંધીના ‘લડકી હું, લડ શક્તિ હું’ અભિયાન અંતર્ગત કોંગ્રેસ ઉત્તરપ્રદેશના વિવિધ ભાગોમાં મેરાથોનનું આયોજન કરી રહી છે. બરેલીની એક સ્કૂલના મેદાનમાં સવારે નવ વાગ્યે મેરેથોન માટે મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી હતી અને વીડિયો ક્લીપમાં દેખાય છે કે આગળ રહેવાની સ્પર્ધામાં એકબીજા પર પડી ગઈ હતી. પાંડેએ દાવો કર્યો હતો કે આયોજકોએ મેરેથોન વિજેતાને સ્કૂટીનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી, તેથી ધક્કામુક્કી થઈ હતી અને ભાગદોડ મચી હતી. બુમાબુમ અને ચીસો વચ્ચે થયેલી ભાગદોડમાં વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ હતી. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું. ઘણા સ્પર્ધકોએ માસ્ક પણ પહેર્યું ન હતું.

બરેલીના પૂર્વ મેયર અને કોંગ્રેસ નેતા સુપ્રિયા એરોને આ ઘટનાને વૈષ્ણોદેવીની ઘટના સાથે સરખાવીને વિવાદ ઊભો કર્યો હતો. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે લોકો વૈષ્ણોદેવીમાં ગયા હતા અને શું થયું ? એકબીજાથી આગળ રહેવું તે માનવીય વલણ છે. અહીં સ્કૂલમાં ભણતી યુવતીઓ છે અને થોડી ભાગદોડ થઈ ગઈ હતી.