જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ (ANI Photo)
આંધ્ર પ્રદેશના રાજકારણમાં ફિલ્મ સ્ટાર્સનો દબદબો જોઈ પવન કલ્યાણે નવો રાજકીય પક્ષ બનાવ્યો છે.  પવન કલ્યાણના રાજકીય પક્ષ જનસેના પાર્ટીએ ભાજપ અને તેલુગુ દેશમ સાથે રાજકીય ગઠબંધન કર્યું છે. આ ગઠબંધને ટોલિવૂડ સ્ટાર પવન કલ્યાણને પીઠાપુરમ બેઠક પરથી ઊભા રાખવાનો નિર્ણય જાહેર કર્યાના થોડાક જ સમયમાં જ રામ ગોપાલ વર્માએ તેની સામે મોરચો ખોલી દીધો હતો.
રામગોપાલ વર્માને ભાજપ અને તેલુગુ દેશમ પાર્ટીની વિચારાધારા સાથે ખાસ મેળ પડતો નથી. જોકે, તેમનો આ નિર્ણય રાજકીય વિચારધારા કરતાં વધારે અંગત કારણો સાથે સંકળાયેલો હોવાનું મનાય છે. સૂત્રો કહે છે કે, ગત વર્ષે રામગોપાલ વર્માની ફિલ્મ વ્યૂહમ રિલીઝ થઈ હતી. આંધ્રપ્રદેશના રાજકારણ આધારિત આ ફિલ્મના કારણે વિવાદ સર્જાયો હતો અને ઘણાં સ્થાનિક નેતાઓએ રામગોપાલ વર્માને રાજ્યમાંથી કાઢી મુકવાની માગણી કરી હતી. આ ફિલ્મ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વાયએસ રાજશેખર રેડ્ડીના નિધનના સંજોગો આધારિત હતી.
આ ફિલ્મના વિરોધમાં હૈદરાબાદ ખાતે રામગોપાલ વર્માની ઓફિસ બહાર દેખાવો થયા હતા અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. રામગોપાલે આ વિવાદ માટે ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ, ટીડીપીના નેતા નારા લોકેશ અને અભિનેતા-રાજનેતા પવન કલ્યાણને જવાબદાર ઠેરવ્યા હતા અને જાહેરમાં તેમની ઝાટકણી કાઢી હતી. ફિલ્મના વિરોધ સાથે શરૂ થયેલો આ વિવાદ હવે રાજકીય રંગ ધારણ કરી રહ્યો છે. દક્ષિણની ફિલ્મોના સ્ટાર ચિરંજિવીએ પણ સક્રીય રાજનીતિ કરી હતી અને તેઓ કેન્દ્ર સરકારમાં પ્રધાન પણ હતા.

LEAVE A REPLY

10 − 4 =