પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મૃતક યુવક સ્પર્મ બેંકમાં સ્ટોર કરાયેલા સ્પર્મ પર કોનો હક્ક? મૃતકની પત્નીનો, કે પછી તેના પિતાનો? કોલકાતા હાઈકોર્ટમાં આ પ્રકારના એક જટિલ કેસ સુનાવણી માટે આવ્યો હતો. મૃતક યુવકના પિતાએ કોર્ટમાં અરજી કરી હતી કે પોતાનો વંશવેલો આગળ વધારવા માટે તેમના દીકરાના સ્પર્મ તેમને સોંપવામાં આવે. વૃદ્ધનું કોર્ટમાં પહોંચવાનું કારણ એ હતું કે તેમની પુત્રવધૂ તેના માટે તૈયાર નહોતી, અને પુત્રવધૂની સહમતિ વિના સ્પર્મ બેંક તેમને તેમના દીકરાના સ્પર્મ આપવા માટે તૈયાર નહોતી.

મૃતક યુવક પશ્ચિમ બંગાળનો હતો અને તેણે દિલ્હીની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવક પહેલાથી જ થેલેસેમિયાથી પીડાતો હતો. ડોક્ટરની સલાહ પર તેણે પોતાના સ્પર્મને સ્પર્મ બેંકમાં જમા કરાવ્યા હતા, જેથી ભવિષ્યમાં સંતાન પ્રાપ્તિમાં કોઈ તકલીફ ના પડે. જોકે, 2018માં આ યુવકનું અચાનક જ મોત થયું હતું. દીકરાએ પોતાનું વીર્ય સ્પર્મ બેંકમાં મૂક્યું છે તે તેના માતાપિતા પણ જાણતા હતા.

સ્પર્શ બેન્કે મૃતક યુવકના સ્પર્શ પિતાને આપવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના દીકરાએ પોતાની પત્નીની પ્રેગનેન્સી માટે સ્પર્મ ડોનેટ કર્યા હતા અને તેની પત્નીની પરવાનગી વિના તેઓ સ્પર્મને બીજા કોઈ વ્યક્તિને આપી શકે નહીં. સ્પર્મ બેંકના જવાબ બાદ વૃદ્ધે પોતાની પુત્રવધૂને દીકરાના સ્પર્મનો કબજો આપવા માટે જણાવ્યું હતું, પરંતુ તે તેના માટે તૈયાર ના થઈ. આખરે, પોતાના દીકરાના સ્પર્મ માટે વૃદ્ધને કોર્ટમાં જવું પડ્યું.
જોકે, બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે સ્વ. યુવકના લગ્ન થઈ ગયા હતા. જેના કારણે તેના સ્પર્મ પર બીજા કોઈનો નહીં, પરંતુ તેની પત્નીનો પહેલો હક્ક છે.