ફાઇલ ફોટો (Photo by Atul Loke/Getty Images)

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફત શુક્રવારે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નવા પ્રમુખ માટેની ચૂંટણી જૂન મહિનામાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વર્ષે યોજાનારી પાંચ રાજ્યોની વિભાનસભાની ચૂંટણીઓ બાદ કોંગ્રેસ પાર્ટી સંગઠનની ચૂંટણી કરશે. કોંગ્રેસના બે જૂથો વચ્ચેની સામ સામી દલીલ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

બેઠક બાદ કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય કર્યો છે કે જૂન 2021માં કોંગ્રેસમાં નવા ચૂંટાયેલા પ્રેસિડન્ટ હશે.

2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તે બાદ સોનિયા ગાંધી અધ્યક્ષ પદે છે. મે મહિનામાં પણ રાહુલ ગાંધીને ફરી અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસમાં ઘણી વખત ગાંધી પરિવાર સિવાયના નેતાને અધ્યક્ષ બનાવવાનો સૂર પણ ઉઠ્યો છે.

ખેડૂત આંદોલનના મુદ્દે મોદી સરકાર પર સોનિયાના હુમલા

આ બેઠકમાં સોનિયા ગાંધીએ ખેડૂત આંદોલન અંગે મોદી સરકાર પર હુમલા કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મોદી સરકારે સંવેદનહીનતા અને અહંકારની તમામ સીમાઓ પાર કરી દીધી છે. આ કૃષિ કાયદાઓને સરકારે ઉતાવળમાં પાસ કરી દીધા છે. સંસદમાં કૃષિ કાયદાઓને યોગ્ય રીતે સમજવાનો મોકો આપવામાં ન આવ્યો અને હવે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અગાઉ કોંગ્રેસ આ ત્રણેય કાયદાઓને નકાર્યા હતા.

સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા એક ગંભીર વિષય છે. તાજેતરના દિવસોમાં જે ગોપનીય માહિતી લીક થવાનો મામલો સામે આવ્યો હતો, તે ગંભીર મુદ્દો છે. જે અંગે સરકાર ચુપ છે. ઉપરાંત તેમણે વેક્સિનેશન અંગે કહ્યું કે, અમને આશા છે કે સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે પૂરી થશે. કોરોના મહામારી દરમિયાન સરકારની ખોટી નીતિઓએ ઘણું નુકસાન પહોંચાડ્યું છે.