(Photo by Joe Allison/Getty Images)

શ્રીલંકાના સ્પિનર્સ પ્રભાત જયસૂર્યા અને નિશાન પેઇરિસે તરખાટ મચાવતાં ગોલમાં રમાઈ ગયેલી બીજી ટેસ્ટ મેચમાં પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે ટીમે એક ઈનિંગ્સ અને 154 રને વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડનો વ્હાઈટવોશ કરી ઈતિહાસ રચ્યો હતો.

શ્રીલંકાનો છેલ્લા 15 વર્ષમાં કિવી ટીમ સામે આ સૌપ્રથમ ટેસ્ટ શ્રેણી વિજય છે.ગોલ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ટેસ્ટમાં શ્રીલંકાના પ્રથમ દાવના પાંચ વિકેટે 602 રનના તોતિંગ સ્કોર સામે ન્યૂઝીલેન્ડની ટીમે શનિવારે બે વિકેટે 22 રનના સ્કોરથી તેની ઇનિંગ્સ આગળ ધપાવી હતી પરંતુ તે ફક્ત 88 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. ફોલોઓન પછી બીજી ઇનિંગ્સમાં રવિવારે ચોથા દિવસે ન્યૂઝીલેન્ડ 360 રનમાં ઓલ આઉટ થઈ જતા તેનો એક ઈનિંગ્સ અને 154 રને સજ્જડ પરાજય થયો હતો.

કામિન્દુ મેન્ડિસને 182 રનની અણનમ ઈનિંગ્સ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. બે ટેસ્ટની શ્રેણીમાં શ્રીલંકાના બોલર પ્રભાત જયસૂર્યાએ કુલ 18 વિકેટ ઝડપતા તે પ્લેયર ઓફ ઝ સિરીઝ જાહેર થયો હતો.

શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસે 182 રનની અણનમ ઈનિંગ્સ રમવાની સાથે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન કરનાર સંયુક્ત ત્રીજો બેટ્સમેન બન્યો હતો અને સર ડોન બ્રેડમેનની બરાબરી કરી હતી. જયસૂર્યાએ પ્રથમ ટેસ્ટમાં નવ વિકેટ ઝડપી હતી. બીજી ટેસ્ટમાં પણ કિવિની પ્રથમ ઈનિંગ્સમાં છ તથા બીજી ઈનિંગ્સમાં ત્રણ મળીને કુલ નવ વિકેટ લીધી હતી. શ્રીલંકાના નવોદીત બોલર નિશાન પેઇરિસે બીજી ટેસ્ટમાં કુલ નવ વિકેટ ખેરવી હતી જેમાં બીજા દાવમા પાંચ વિકેટથી વધુની સિદ્ધિ નોંધાવી હતી.

 

LEAVE A REPLY