પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાત સહિત દેશભરમાં હજારો લાખો ભિખારીઓ ભીખ માંગીને જીવન વ્યતિત કરી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે ભિખારીમુક્ત દેશ બનાવવાની દિશામાં પહેલ કરી છે.

ભિખારીઓ ભીખ માંગવાને બદલે મહેનતકશ બની પોતાની કૈાશલ્ય શક્તિના માધ્યમથી સ્વનિર્ભર બને તે માટે કેન્દ્ર સરકારે પ્રયાસો હાથ ધર્યાં છે.આગામી દિવસોમાં અમદાવાદ સહિત દેશના દસ શહેરોને ભિખારીમુક્ત કરવા ટૂંક જ સમયમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા નક્કી કરાયુ છે.

આજે ગુજરાતમાં જ નહી, દેશના કોઇપણ શહેરમાં જાઓ ત્યારે રસ્તા પર ભિખારીઓ ભીખ માંગતા નજરે પડે છે. ખુદ માતાપિતા જ બાળકોને ભીખ મંગાવી રહ્યા છે. કેન્દ્ર સરકારે હવે ભિખારીઓ ભીખ ન માંગે બલ્કે આપમેળે કમાઇ કુટુંબનુ ગુજરાન કરે તે દિશામાં વિચારણા કરી છે.

કેન્દ્રીય સામાજીક ન્યાય અધિકારીતા વિભાગે રાજ્યસભામાં આ મુદ્દે જોહરાત કરી છેકે, આગામી દિવસોમાં સ્માઇલ યોજના લોન્ચ કરાશે. આ યોજના હેઠળ ભિખારીઓના પુનવર્સનને આયોજન કરાશે. આ ઉપરાંત ભિખારીઓના આરોગ્ય અને શિક્ષણને લઇને પણ પગલાં લેવામાં આવનાર છે.

ભીખ માંગતા બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી શિક્ષણ અપાવવા પણ આયોજન કરાયુ છે. સાથે સાથે ભિખારીઓમાં કૌશલ્ય વિકાસ કરી કેવી રીતે રોજગાર મેળવી શકે માટે પણ સરકારે સ્માઇલ યોજના હેઠળ પ્લાનિંગ કર્યુ છે. પ્રાથમિક તબક્કામાં દેશના દસ શહેરોમાં સ્માઇલ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે જેમાં ગુજરાત રાજ્યમાંથી અમદાવાદ શહેરની પસંદગી કરાઇ છે.

આ ઉપરાંત નાગપુર, બેંગ્લોર, મુંબઇ, લખનૌ, દિલ્હી, ઇન્દોર, ચેન્નાઇ શહેરને પણ બેગર ફ્રી સિટી બનાવવા કેન્દ્ર સરકારે પહેલ આદરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતા બાળકો પર નજર રાખવા પણ સૂચના આપી છે કેમકે, તેમાં માનવ તસ્કરીનો ભય રહેલો છે.