પંજાબ નેશનલ બેંક (PNB)માં 6300 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના સંબંધમાં ભારતમાં વોન્ટેડ ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીની જામીન અરજી બેલ્જિયમની અપીલ કોર્ટે ફરીથી ફગાવી દીધી હતી. બેલ્જિયમની કોર્ટ સમક્ષ પ્રત્યાર્પણની સુનાવણી પહેલા જ પહેલા અપીલે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
ભારતની તપાસ એજન્સી સીબીઆઈએ બેલ્જિયન ફરિયાદ પક્ષને મજબૂત પુરાવા આપ્યા હતા અને તેના કારણે જામીન અરજી ફગાવી દેવાઈ હતી. મેહૂલ ચોક્સી કાનૂની કાર્યવાહીથી બચવા માટે અગાઉ પણ ઘણા દેશમાંથી ભાગી ગયો હતો અને જો જામીન પર મુક્ત થાય તો તે બીજા દેશમાં ભાગી શકે છે.
સીબીઆઈએ કરેલી પ્રત્યાર્પણ વિનંતીના આધારે એપ્રિલમાં ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરાઈ હતી. અગાઉની બેલ્જિયમની કોર્ટ ઓફ સેસેશને જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી ચોકસીએ 22 ઓગસ્ટે બીજી જામીન અરજી દાખલ કરી હતી અને ઘરમાં દેખરેખ હેઠળ નજરકેદમાં રહેવાની ઓફર કરી હતી, પરંતુ અપીલ કોર્ટે આ અઠવાડિયાની શરૂઆતમાં તેને ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સીએ તેના ભાણેજ નિરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંકની સાથે રૂ.14000 કરોડનું જંગી કૌભાંડ કર્યું હતું, જેના પગલે તેઓની વિરુદ્ધમાં છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપ મૂકવામાં આવ્યા છે. તપાસ એજન્સી ઇડીએ કોર્ટમાં મુકેલી ચાર્જશીટમાં આ કૌભાંડના માસ્ટર માઇન્ડ તરીકે મેહુલ ચોક્સીને દર્શાવવામાં આવ્યો છે. ઇડી અને સીબીઆઇની ધોંસ વધતાં નિરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગી ગયાં હતાં. મેહુલ ચોક્સીએ 2017માં ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એન્ટિગુઆ-બાર્બાડોઝનું નાગરિકત્વ લઇ લીધું હતુ અને ત્યારથી તે પોતાની ધરપકડ ટાળતો આવ્યો છે.
