(ANI Photo)

ગુજરાતના ઉત્તર-મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં સોમવાર સુધીના છેલ્લાં ત્રણ દિવસથી 15 ઇંચ સુધીના વરસાદથી કચ્છ અને ઉત્તર ગુજરાતના સુઈગામ તાલુકામાં ભારે તારાજી સર્જાઈ હતી. કચ્છમાં મુશળધાર 15 ઇંચ વરસાદથી શાળા-કૉલેજો બંધ બંધ કરાઈ હતી અને જનજીવન ઠપ થયું હતું. ઉત્તર ગુજરાતના થરાદ-બનાસકાંઠાના સુકાભઠ કહેવાતા સરહદી સૂઇગામ પંથકમાં બારેય મેઘ ખાંગા થતાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો હતો. નડાબેટના રેતીના રણમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતાં અને સમગ્ર વિસ્તાર દરિયામાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

જળબંબાકારની સ્થિતિને જોતા બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા અને ખેડા સહિતના જિલ્લાના કેટલાક તાલુકાઓમાં શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઈ હતી. કચ્છમાં માર્ગો પર પાણી ફરી વળતાં અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરાઈ હતી.

ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી લગભગ ૧.૧૩ લાખ ક્યુસેક (ક્યુબિક ફીટ પ્રતિ સેકન્ડ) પાણી છોડવામાં આવતાં અમદાવાદના વાસણા બેરેજ ખાતે સાબરમતી નદી ૧૩૧ ફૂટના સ્તરને સ્પર્શી ગઈ હતી અને સાબરમતી રિવરફ્રન્ટના વોકવે ડૂબી પાણીમાં ગરકાવ થયા હતાં.ધોળકાના આંબલીયારા, કોદાળીયાપરા, ખાત્રીપુર, વૌઠા, સાથળ, સહીજ, ગિરદ, બદરખા, અને ભાત સહિતના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા હતાં.

રાજ્યમાં 8 સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો કુલ 103 ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં સતત વરસાદથી અને મુખ્ય ડેમોમાં પાણી છોડવામાં આવતા સાબરમતી, મહી, તાપી સહિતની નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતો અને કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.

ભારે વરસાદથી તારાજી સર્જાતા બચાવ કામગીરી હાથ ધરવા માટે સરકારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ની 12 ટીમો અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF)ની 22 ટીમો તૈનાત કરી હતી. ખરાબ હવામાનને કારણે માછીમારોને 10 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ અપાઈ હતી. NDRFએ જણાવ્યું હતું કે તેમણે સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના એક ગામમાં પાણી ભરાઈ જવાને કારણે ફસાયેલા 4 મહિલાઓ અને 3 બાળકો સહિત નવ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હોડીઓનો ઉપયોગ કર્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)એ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકામાં રવિવારે સવારે 6 થી સાંજે 6 વાગ્યા દરમિયાન 303 મિલીમીટર વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના વાવ તાલુકામાં 127 મીમી, બનાસકાંઠાના ભાભરમાં 117 મીમી, તાપી જિલ્લાના વાલોડમા 112 મીમી, વલસાડના કપરાડામાં 105 મીમી, તાપીના વ્યારામાં 103 મીમી, બનાસકાંઠાના થરાદમાં 100 મીમી અને વલસાડ તાલુકા 94 મીમી વરસાદ નોંધાયો હતો. પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, સુરત અને નવસારી જિલ્લાના કેટલાક ભાગોમાં પણ દિવસ દરમિયાન નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.

બીજી તરફ ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતાં અમદાવાદ ઉપરાંત ખેડા અને આણંદ જિલ્લામાં કાંઠાના ગામોને સાબદા કરાયા હતા. આણંદ જિલ્લાના નદી કાઠાના વિસ્તારોમાં મહીસાગરનાં પૂરથી અનેક ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પૂરની સ્થિતિને કારણે ખેડા જિલ્લાની શાળાઓમાં સોમવારે રજા જાહેર કરાઈ હતી.

7 સપ્ટેમ્બરના સાંજ સુધીમાં 12 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. સાણંદ, કડી, બોટાદ, સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ ૧૫ તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો હતો.
મહી નદીના કાંઠાના ગામોમાં હોડીઓ ફરતી થઈ

ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને પાનમ, કડાણા અને વણાકબોરી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યો હતો, તેનાથી આણંદ જિલ્લાના મહીસાગર નદીના કાંઠાના ગામોના રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા ટ્રાફિક માટે બંધ કરાયા હતાં. કેટલાંક ગામોનો સંપર્ક પણ તૂટી જવાને કારણે નાવડીનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઉમરેઠ આણંદ આકલાવ તથા બોરસદ અને ખંભાત તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતાં.

વિજયનગરમાં પોળોના જંગલમાં નદીનો પ્રવાહ વધતાં છ યુવાનો ફસાયા હતાં જેમને વિજયનગર પોલીસે વનખાતાની મદદથી અન્ય રસ્તેથી સહીસલામત પરત લવાયા હતા.અરવલ્લીમાં શામળાજી પાસે સતત બીજા દિવસે પણ ભેખડો ધસી પડતાં શામળાજી- ઉદેપુર નેશનલ હાઇવે વાહનોની લાંબી કતાર લાગતાં વાહનચાલકો ફસાયા હતાં.

LEAVE A REPLY