કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંનેને જામીન પર મુક્ત કર્યાં હતા. (PTI Photo)

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે જામીન આપ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ગાંજો લેવાના આરોપમાં ભારતી સિંહની શનિવારે અને હર્ષની રવિવારે ધરપકડ કરી હતી. રવિવારે જ બંનેને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે તેમને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધાં હતાં. ત્યારપછી ભારતીને કલ્યાણ જેલમાં અને હર્ષને તલોજા જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

NCBએ ભારતીની જ્યુડિશિયલ કસ્ટડી અને હર્ષની રિમાન્ડ માગ્યા હતા, પણ કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધાં હતાં. આ પછી હર્ષ અને ભારતીએ જામીન માટે અરજી કરી હતી, જેની સોમવારે કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ કેસમાં શુક્રવારે ધરપકડ કરવામાં આવેલા 2 ડ્રગ્સ પેડલર્સને કોર્ટે 25 નવેમ્બર સુધી NCBની રિમાન્ડ પર મોકલ્યા હતા.

કોર્ટે કહ્યું હતું કે ભારતી અને હર્ષનાં ઘર-ઓફિસમાં મળેલા ગાંજાનું પ્રમાણ ઓછું છે. આ માત્ર વપરાશનો કેસ છે, માટે પોલીસ કસ્ટડીની જરૂર નથી. કોર્ટે એવું પણ કહ્યું હતું કે જે કલમ હેઠળ બંનેની ધરપકડ કરવામાં આવી છે તેમાં તેમાં માત્ર એક વર્ષની સજાની જોગવાઈ છે, તેથી રિમાન્ડની જરૂર નથી.