ભવન દ્વારા શનિવાર, 25મી નવેમ્બર 2023ના રોજ વાર્ષિક દિવાળી ગાલા કાર્યક્રમનું શાનદાર આયોજન લંડનની મેરિયોટ હોટલ, ગ્રોવનર સ્ક્વેર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પેટ્રન્સ, સમર્થકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લંડનના ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને અતિથિ વિશેષ તરીકે અનુષ્કા શંકર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ધ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા વાઇબ્રન્ટ મ્યુઝિક એન્સેમ્બલ પરફોર્મન્સ સાથે થઈ હતી, જેનું કમ્પોઝિશન અને સંચાલન નિવાસી ગુરુ પં. રાજકુમાર મિશ્રાએ કર્યું હતું. ડૉ. નંદકુમારે પ્રાર્થના કરી હતી અને ભવનના અધ્યક્ષ શ્રી સુભાનુ સક્સેનાએ સ્વાગત પ્રવચન આપી વારસાને આગળ ધપાવવાની જવાબદારી વિશે વાત કરી સ્ટાફ, શિક્ષકોની સેવા અને વિદ્યાર્થીઓના સમર્પણ બદલ તેમનો આભાર માન્યો હતો.

અનુષ્કા શંકરે સંબોધનમાં બાળપણમાં ‘ધ એડવેન્ચર્સ ઓફ મોગલી’ જોવાની તેણીની પ્રથમ મુલાકાત અને પિતા ભારત રત્ન પં. રવિશંકર જી સાથે ધ ભવનમાં વિતાવેલા સમયનું વર્ણન કરી ભવનની યાદો વિશે પ્રેમપૂર્વક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય કળા માટે જે કોઈ શીખવા કે અનુભવવા માંગે છે તેમણે ભવનમાં આવવું જ જોઈએ.’’

મુખ્ય મહેમાન હાઇ કમિશ્નર વિક્રમ દોરાઈસ્વામીના છટાદાર ભાષણને ખૂબ આવકાર મળ્યો હતો. તેમણે ભારતીય સંસ્કૃતિ અને કેવી રીતે આપણી પાસે ‘અલગતા’નો ફિલોસોફિકલ ખ્યાલ નથી અને કેવી રીતે કલા, ભગવાન અને ગુરુની આપણી કલ્પના વર્તમાન પેઢી અને તેનાથી આગળની પેઢી માટે મૂલ્ય ધરાવે છે તે વિષે વાત કરી હતી. આપણી કળાઓ હજારો વર્ષોથી ટકી રહી છે અને હજુ પણ સમગ્ર વિશ્વમાં શીખવામાં આવે છે અને તેનું પ્રદર્શન કરવામાં આવે છે. તેમણે તેની ખાતરી કરવા માટે ભવનના સતત પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

ભવનના ઉપાધ્યક્ષ ડો. સુરેખા મહેતાએ આ પ્રસંગે પધારેલા લોર્ડ અને લેડી ધોળકિયા, લોર્ડ પોલ, લોર્ડ અને લેડી પોપટ, લોર્ડ અને લેડી રેન્જર, શ્રી દીપક ચૌધરી, હાઈ કમિશનના શ્રી કપિલ દેવ તથા કાર્યક્રમને સફળ બનાવનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

રઘુ નંદકુમારા અને મીરા માણેકે ઇવેન્ટનુ સંચાલન કર્યું હતું. ભવનના નિવાસી શિક્ષકો અભિનવ મિશ્રા અને અમુન ભચુ દ્વારા તૈયાર કરાયેલ કથક નૃત્ય, નિવાસી ગુરુ શ્રી પ્રકાશ યાદગુડ્ડે દ્વારા શીખવવામાં આવેલા સુંદર ભરતનાટ્યમ અને નિવાસી શિક્ષિકા કેટરિના રૂટ દ્વારા તૈયાર કરાયેલ ઉત્કૃષ્ટ ઓડિસી નૃત્યને ભવનના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરાયાં હતાં. એક ટૂંકી ફિલ્મ દ્વારા ભવનની સમગ્ર વર્ષ દરમિયાનની પ્રવૃત્તિઓ દર્શાવાયા બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.

LEAVE A REPLY

14 + 12 =