(REUTERS/Kevin Lamarque)

ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ ઉમેદવાર જો બિડેનને શુક્રવારે જ્યોર્જિયા અને પેન્સિલવેનિયાના નિર્ણાયક રાજ્યોમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સામે વધુ સરસાઈ હાંસલ કરી હતી અને તેનાથી બિડેનને સંભાવના વધુ પ્રબળ બની હતી. બીજી તરફ ટ્રમ્પે ચૂંટણીમાં ગેરરીતિનો દાવો કર્યો હતો. બિડેનને 253 અને ટ્રમ્પ 214 ઇલેક્ટ્રોરલ વોટ મળ્યા હોવાનું અગ્રણી ટીવી નેટવર્કે જણાવ્યું હતું.
બિડેનને 270 ઇલેક્ટોરલ વોટનો જાદુઇ આંક હાંસલ કરવાનો છે અને હજુ ચાર રાજ્યોમાં મતગણતરી ચાલુ છે. 77 વર્ષીય બિડેન પેન્સિવેનિયામાં વિજય મેળવીને અથવા જ્યોર્જિયા, નેવાડા અને એરિઝોનમાંથી બે રાજ્યોમાં વિજય મેળવીને અમેરિકાના નવા પ્રેસિડન્ટ બની શકે છે. ટ્રમ્પ માટેનો રસ્તો મુશ્કેલ લાગે છે. ટ્રમ્પે પેન્સિવેનિયા અને જ્યોર્જિયા બંનેમાં વિજય મેળવવો જરૂરી છે. આ ઉપરાંત નેવાડા અથવા એરિઝોનામાં બિડેન કરતાં આગળ નીકળવું પડશે.

પેન્સિલવેનિયામાં 20 ઇલેક્ટ્રોલ વોટ છે. શુક્રવારે આ રાજ્યમાં બિડેનને ટ્રમ્પની સરસાઈ કાપી હતી અને હવે ટ્રમ્પ માત્ર 18,000 વોટ આગળ છે. જ્યોર્જિયામાં 16 ઇલેક્ટોરલ વોટ છે અને ટ્રમ્પની સરસાઈ ઘટીને 450 મતની થઈ છે. ફિલાડેલ્ફિયા અને એટલાન્ટા જેવા વિસ્તારોના મતની ગણતરી બાકી છે. આ વિસ્તારોના મતદાતા સામાન્ય રીતે ડેમોક્રેટની તરફેણ કરતાં હોય છે તેથી બિડેનના મતમાં વધારો થવાની ધારણા છે.

દરમિયાન શુક્રવારે વહેલી સવારે એરિઝોનામાં બિડેનની સરસાઈ ઘટીને આશરે 47,000 મતની થઈ હતી. જોકે તેઓ નેવાડામાં હજુ 12,000 મતથી આગળ છે. ચૂંટણીને ત્રણ દિવસ વીતી ગયા છે ત્યારે જ્યોર્જિયા અને પેન્સિલવેનિયાના અધિકારીઓએ શુક્રવારે મતગણતરી પૂરી થવાની આશા વ્યક્ત કરી હતી. જોકે એરિઝોના અને નેવાડામાં મતગણતરીને દિવસો લાગી શકે છે.