પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઈમિગ્રન્ટ્સ તરફી વલણ ધરાવતા અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન શાસનમાં દેશનિકાલ કરાયા હોય તેવા ઇમિગ્રન્ટની સંખ્યા એક વર્ષમાં બમણી થઈ છે. યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના શુક્રવારે જારી થયેલા રીપોર્ટ મુજબ 2022-23ના નાણાકીય વર્ષમાં આશરે 1.42 લાખ ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરાયા હતા. આ સંખ્યા અગાઉના વર્ષની સરખામણીમાં બમણી છે. આમાં ભારતીયોની સંખ્યા 370 હતી.

કુલ ડિપોર્ટ કરેલા લોકોમાંથી 18,000 લોકો એવા હતા કે જેમાં બાળકો સહિત સમગ્ર પરિવાર હતો. આ આંકડો 2020માં ટ્રમ્પ સરકારે દેશનિકાલ કરેલા 14,400 કરતાં વધુ છે.

સત્તા સંભાળ્યાના બે વર્ષ સુધી નરમ વલણ અપનાવ્યા પછી હવે બાઈડન સરકાર ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પ્રત્યે આક્રમક બની હોય તેમ લાગે છે. ડિપોર્ટ થયેલા લોકોના આંકડામાં પણ ૨૦૨૧ અને ૨૦૨૨ની સરખામણીએ જંગી ઉછાળો આવ્યો છે. આની સામે યુએસ-મેક્સિકો બોર્ડર પરથી આવેતા માઇગ્રન્ટની સંખ્યામાં પણ મોટો વધારો થયો હતો.

બાઈડને ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અમેરિકાની સત્તા સંભાળી હતી, અને તે વર્ષમાં અમેરિકાએ 59,000 લોકોને ડિપોર્ટ કર્યા હતાં. આ પછીના વર્ષમાં આ આંકડો 72,177 થયો હતો. જોકે ૨૦૨૨-૨૩માં આ આંકડો વધી સીધો ૧,૪૨,૫૮૦ પર પહોંચી ગયો છે.

બાઈડન સત્તા પર આવ્યા ત્યારે કોરોનાને કારણે બોર્ડર પર અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઘણા નિયંત્રણો હોવાથી ઈમિગ્રન્ટસની સંખ્યા પણ પ્રમાણમાં ઓછી હતી. જોકે ૨૦૨૧ના અંત સુધીમાં મોટાભાગના નિયંત્રણો હળવા થઈ ગયા હતા તેમજ ૨૦૨૩ના મધ્ય ભાગમાં ટાઈટલ-42  પણ એક્સપાયર થતાં અમેરિકામાં બોર્ડર ક્રોસ કરીને આવતા લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. ૨૦૨૩ના વર્ષમાં અમેરિકામાં ક્યારેય ના ઘૂસ્યા હોય તેટલા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ આવ્યા છે, જેની સામે ૨૦૨૨-૨૩માં ડિપોર્ટ થયેલા લોકોનો આંકડો દોઢ લાખથી પણ ઓછો છે.

બાઈડનની સરખામણીમાં તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવામાં ઘણા આગળ હતા. ICE દ્વારા જે છ વર્ષના આંકડા બહાર પાડવામાં આવ્યા છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસનના ત્રણ વર્ષોનો પણ સમાવેશ થાય છે, જે અનુસાર ૨૦૧૭-૧૮માં અમેરિકાએ ૨.૫૬ લાખ, ૨૦૨૯-૨૦માં ૨.૬૭ લાખ અને કોરોનાવાળા ૨૦૨૦ના વર્ષમાં પણ ૧.૮૫ લાખ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા હતા.

૨૦૨૨-૨૩માં અમેરિકામાં આશરે 97 હજારની આસપાસ ભારતીયો ગેરકાયદે પ્રવેશ્યા હોવાનો તાજેતરમાં જ એક રિપોર્ટ બહાર આવ્યો હતો. હવે જો અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની સંખ્યા જોઈએ તો ૨૦૨૨-૨૩માં ૩૭૦ ઈન્ડિયન્સ અમેરિકાથી ડિપોર્ટ થયા છે, આ આંકડો ૨૦૨૧માં ૨૯૨ અને ૨૦૨૨માં ૨૭૬નો હતો. જોકે, ઈન્ડિયન્સને ડિપોર્ટ કરવામાં બાઈડન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા આગળ હતાં ટ્રમ્પના શાસનમાં ૨૦૧૮માં ૬૧૧, ૨૦૧૯માં ૧૬૧૬ અને ૨૦૨૦માં ૨૩૧૨ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

two − 1 =