અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પરત આવ્યા પછી પ્રેસિડેન્ટ જો બાઈડને ફરીથી તાલિબાની આતંકવાદ વિરૂદ્ધ લડાઇ સામે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાન પર અમેરિકા પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે જણાવ્યું કે, જો તાલિબાન અમેરિકન સેના પર હુમલો કરવાની હિંમત કરશે તો તેનો કડક જવાબ અપાશે.
પ્રેસિડેન્ટ બાઈડને જણાવ્યું હતું કે, ‘મેં હંમેશા જણાવ્યું છે કે, અમે અમે આતંકવાદ વિરોધી મિશન પર એક લેજર ફોકસ બનાવી રહ્યા છીએ, અમારા સહયોગીઓ, સાથીઓ અને તમામ શક્તિઓ સાથે ગાઢ સમન્વયમાં કામ કરી રહ્યા છીએ જે આ ક્ષેત્રમાં સ્થિરતા જાળવી રાખવામાં રસ ધરાવતા હોય.’
પ્રેસિડેન્ટ બાઈડને અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકી નાગરિકોને તેમના ઘર સુધી પહોંચાડવાનું વચન આપ્યું છે. તેમણે તાલિબાનીઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, અમે અમેરિકન સેના પર તાલિબાની હુમલાને સહન નહીં કરીએ. અમેરિકા અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાન ચાલુ રાખશે, તેમણે શુક્રવારે વ્હાઈટ હાઉસમાં યોજાયેલ એક કોન્ફરન્સમાં આ નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું કે, તેઓ તમામ એરપોર્ટ્સ પર કોઈપણ પ્રકારના આતંકવાદી જોખમ પર પોતાની નજર રાખી રહ્યા છે, પછી તે ISISનું કેમ ન હોય. ઉલ્લેખનીય છે કે, અમેરિકા કાબૂલ એરપોર્ટ ખાતેથી અમેરિકન્સ અને અન્ય લોકોને તાલિબાનથી બચાવવા અને તેમને ત્યાંથી બહાર કાઢવા મોટાપાયે અભિયાન ચલાવી રહ્યું છે.