દુનિયાના સૌથી શક્તિશાળી પ્રેસિડેન્ટ ગણાતા અમેરિકાના જો બિડેનની લોકપ્રિયતા તેમના દેશમાં જ ઘટી ગઇ છે. આ મહિનામાં તેમનું એપ્રુવલ રેટિંગ તેમના પ્રેસિડન્ટ તરીકેના કાર્યકાળમાં સૌથી નીચું રહ્યું છે. અમેરિકાના ફક્ત 39 ટકા પુખ્ત લોકોએ તેમના કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે. તેમની ડેમોક્રેટિક પાર્ટીમાં પણ નિરાશાનું વાતાવારણ ઘેરું બની રહ્યું છે.
એસોસિએટેડ પ્રેસ- NORC સેન્ટર ફોર પબ્લિક રીસર્ચના સર્વે અનુસાર 10માંથી માત્ર બે વ્યક્તિએ જણાવ્યું હતું કે અમેરિકા યોગ્ય દિશામાં પ્રગતિ કરી રહ્યું છે અથવા અર્થતંત્ર સારી સ્થિતિમાં છે. અગાઉ આવું માનનારા લોકોની સંખ્યા 10માંથી 3 હતી. આશ્ચર્યજનક વાત એ છે કે ડેમોક્રેટ્સ સભ્યોમાં પણ પ્રેસિડન્ટની કામગીરીથી નાખુશ છે. માત્ર 33 ટકા ડેમોક્રેટ્સે જણાવ્યું છે કે દેશ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. એપ્રિલમાં આ પ્રમાણ 49 ટકા હતું. રશિયા સાથેના સંબંધોના મુદ્દે 45 ટકા લોકોને બિડેનની કામગીરીથી સંતોષ છે, જ્યારે 54 ટકાને અસંતોષ છે. અમેરિકામાં સામાન્ય ચૂંટણી પહેલા બિડેન માટે ચિંતાનું મુખ્ય કારણ એ છે કે ડેમોક્રેટ્સમાં તેમનું એપ્રુવલ રેટિંગ 73 ટકા છે, જે પ્રેસિડન્ટ બન્યા તે પછીથી મોટો ઘટાડો દર્શાવે છે. 2021માં કરાયેલા AP-NORC પોલ્સ ડેમોક્રેટ્સમાં બિડેનનું એપ્રુવલ રેટિંગ ક્યારેય 82 ટકાથી નીચું ગયું ન હતું. સર્વેના આ તારણો અમેરિકામાં ઉદાસીનતાના મહોલનો સંકેત આપે છે. અમેરિકા અત્યારે ફુગાવો, ગન હિંસા, બેબી ફૂડની આકસ્મિક અછત અને મહામારી જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
સાન્ટા મોનિકા, કેલિફોર્નિયાનાં ડેમોક્રેટિક સભ્ય અને હાઇસ્કૂલ કાઉન્સેલર મિલાન રામસેએ જણાવ્યું હતું કે ‘સ્થિતિ કેટલી ખરાબ થશે તે હું જાણતી નથી.’ મિલાને પોતાના બાળકના ઉછેર માટે પતિ સાથે માતા-પિતાના ઘેર સ્થાયી થવું પડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે બિડેને કોઇ વચનો પૂર્ણ કર્યા નથી. મને લાગે છે કે તેઓ થાકી ગયા છે અને હું તેમને દોષ આપતી નથી. હું પણ તેમની ઉંમરે આવી કારકિર્દીમાં થાકી જઈશ.’
રિપબ્લિકશન સભ્યો પણ બિડેનથી ખુશ નથી. 10માંથી માત્ર એક રિપબ્લિકન અર્થતંત્રના મુદ્દે બિડેનની કામગીરીથી ખુશ છે. અર્થતંત્રના મુદ્દે બિડેન પ્રત્યે અસંતોષ ઘેરો બની રહ્યો છે. માત્ર 18 ટકા અમેરિકનો કહે છે કે બિડેનની નીતિઓથી અર્થતંત્રને નુકસાન કરતાં ફાયદો વધુ થયો છે. તેની સામે 51 ટકા લોકો માને છે કે બિડેનની નીતિઓથી અર્થતંત્રને નુકસાન વધુ થયું છે.