જો બાઇડેનને ચીફ જસ્ટિસ જોહન રોબર્ટે 46માં પ્રેસિડન્ટ તરીકે શપથ લેવડાવ્યા હતા. 20 જાન્યુઆરી 2021ના રોજ યુ એસ કેપિટોલમાં યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં આ પ્રસંગે જિલ બાઇડેને હાથમાં બાઇબલ રાખ્યું હતું. Andrew Harnik/Pool via REUTERS

વિશ્વના સૌથી શક્તિશાળી ગણાતા દેશ અમેરિકાના ૪૬મા પ્રેસિડન્ટ તરીકે જો બાઈડેને બુધવારે એક સાદા સમારંભમાં કેપિટોલ હિલના પ્રાંગણમાં શપથ લીધા હતા. તેમની પહેલા ૪૯મા વાઇસ પ્રેસિડન્ટ તરીકે તરીકે ભારતીય મૂળના કમલા હેરિસે શપથ લીધા હતા. આ પ્રસંગે વિદાઈ લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાજરી આપી ન હતી, પરંતુ વાઇસ પ્રેસિડન્ટ માઇકલ પેન્સ હાજર રહ્યાં હતા.

૭૮ વર્ષિય બાઈડેનને શપથ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે લેવડાવ્યા હતા. આ પ્રસંગે બાઈડેનનો પરિવાર, કમલા હેરિસનો પરિવાર તથા ત્રણ પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ અને અમેરિકી કોંગ્રેસના અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા. કોરોનાને કારણે શપથવિધિમાં હાજર મહેમાનોનું સંખ્યા ૧૦૦૦ જેટલી મર્યાદિત રખાઈ હતી. ટ્રમ્પ સમર્થકોએ અગાઉ કરેલી હિંસાને કારણે સુરક્ષા માટે વૉશિંગ્ટનમાં ૨૫ હજાર નેશનલ ગાર્ડ ખડકી દેવાયા હતા.

અમેરિકામાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે કમલા હેરિસે શપથ લીધા હતા. (Saul Loeb/Pool via REUTERS)પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા બાદ પોતાના પ્રથમ પ્રવચનમાં બાઈડેને જણાવ્યું હતું કે આતંકવાદી હુમલા, રંગભેદ વગેરે અનેક કટોકટીમાંથી અમેરિકા પસાર થયું છે અને અત્યારની મહામારીમાંથી પણ બેઠું થશે. આ વિજય લોકશાહીનો છે. અમેરિકાની લોકશાહી હંમેશા અડીખમ રહેશે. પોતાના પ્રથમ દિવસને તેમણે લોકશાહી, આશાવાદ અને ઉજ્જવળ ભવિષ્યનો દિવસ ગણાવ્યો હતો.

કમલા હેરિસે શપથવિધિ પહેલા પોતાના માતાને યાદ કર્યા હતા અને તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો ગણાવ્યો હતો. અમેરિકામાં વાઇસ પ્રેસિડન્ટ પદની પ્રથા ૧૭૮૯માં શરૂ થઈ હતી. જોન આદમ્સ પ્રથમ વાઇસ પ્રેસિડન્ટ બન્યા હતાં. બાઈડેને જણાવ્યું હતું કે કમલા હેરિસ વાઇસ પ્રેસિડન્ટ બન્યાં તે દર્શાવે છે કે કશું અશક્ય નથી.

બાઈડેન અમેરિકાના ૪૬મા પ્રેસિડન્ટ બન્યાં છે. અમેરિકાના પ્રથમ પ્રેસિડન્ટ તરીકે ૨૩૩ વર્ષ પહેલા ૧૭૮૮માં જ્યોર્જ વૉશિંગ્ટને શપથ લીધા હતા. બાઈડેને જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા અહીં હિંસા થઈ હતી, પણ એવી હિંસા અમેરિકાની ધરતી પર હવે પછી ક્યારેય નહીં થાય. હવે આગળ વધવાનો સમય છે. તેણે નાગિકોને વિશ્વાસ અપાવ્યો હતો કે હું કોઈ એક વ્યક્તિ કે સમુદાયનો નહીં સમગ્ર અમેરિકાનો પ્રેસિડન્ટ છું. શાંતિ માટે સમગ્ર અમેરિકાને એક થવાની તેમણે હાકલ કરી હતી.