બિહાર વિધાનસભાની સાત નવેમ્બરે યોજાયેલી છેલ્લાં તબક્કાની ચૂંટણીમાં લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. વૈશાલી જિલ્લાના મહુઆ ખાતે લોકો મતદાન માટે કતારમાં ઊભા રહ્યાં હતા. (PTI Photo)

બિહારમાં 243 બેઠકો ધરાવતી વિધાનસભાની ત્રીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં 78 બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધી 55 ટકા મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં 1,204 ઉમેદવાર છે. 1094 પુરુષ છે, 910 મહિલા છે. આ 78 બેઠક પર 2.35 કરોડ મતદાર છે. છેલ્લાં તબક્કામાં જેડીયુના અધ્યક્ષ રહી ચુકેલા શરદ યાદવનાં પુત્રી સુભાષિની યાદવ અને સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ ભાઈ નીરજસિંહની બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે. સુભાષિની યાદવ કોંગ્રેસની ટિકિટ પર બિહારીગંજ બેઠકથી લડી રહ્યાં છે. નીરજકુમાર સિંહ છાતાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર છે.

વર્તમાન સરકારના બાર પ્રધાનો સહિત કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. બિહારમાં ખરો જંગ નીતિશકુમારની આગેવાની હેઠળ એનડીએ અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજશ્વી યાદવના વડપણ હેઠળના મહાગઠબંધન વચ્ચે છે. એનડીએ વતી ભાજપના 29 ટોચના નેતાઓ અહીં પ્રચાર કરી ગયા હતા. જો કે વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આ વખતે સહેજ અવઢવમાં છે અને તેમણે આ પોતાની છેલ્લી ચૂંટણી હોવાની જાહેરાત કરી હતી. બીજા તબક્કાની ચૂંટણીમાં 94 બેઠક પર 54.51 ટકા મતદાન થયું હતું