પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભાજપના રાજ્યસભાના સાંસદ ભીમ સિંહે બંધારણના આમુખમાંથી ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો દૂર કરવાની માગણી કરતું પ્રાઇવેટ મેમ્બર બિલ રાજ્યસભામાં રજૂ કર્યું છે. તેમણે દલીલ કરી છે કે બંધારણમાં આ બંને શબ્દોની કોઇ જરૂર નથી અને 1976ની કટોકટી દરમિયાન બિન લોકશાહી ઢબે આ શબ્દોનો ઉમેરો કરાયો હતો. માત્ર તુષ્ટિકરણની રાજનીતિ માટે આવું કરાયું હતું.

શુક્રવારે રાજ્યસભામાં બંધારણ (સુધારા) બિલ, 2025 (આમુખમાં સુધારો) રજૂ કરનારા ભીમ સિંહે જણાવ્યું હતું કે આ શબ્દો મૂળ બંધારણનો હિસ્સો નથી. મૂળ બંધારણ 1949માં સ્વીકારવામાં આવ્યું હતું અને તે 1950થી અમલી છે. તેમાં આ બે શબ્દો ન હતાં. ઇન્દિરા ગાંધીએ 1976માં બંધારણમાં 42મો સુધારો કરી આ બે શબ્દોનો ઉમેરો કર્યો હતો. તે સમયે સંસદમાં કોઇ ચર્ચા પણ થઈ ન હતી.

આ બંને શબ્દોને બિનલોકશાહી ઢબે ઉમેરવામાં આવ્યો હોવાની દલીલ કરી તેમણે જણાવ્યું હતું કે ઇમર્જન્સી દરમિયાન અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિઝ સહિતના તમામ વિપક્ષી નેતાઓ જેલમાં હતાં. લોકશાહીની હત્યા થઈ રહી હતી અને આવી પરિસ્થિતિમાં ઇન્દિરા ગાંધીએ આ બે શબ્દો ઉમેર્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે બંધારણ સભાએ પણ આ મુદ્દા પર ચર્ચા કરી હતી. મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. બી. આર. આંબેડકરે કહ્યું હતું કે ભારતના બંધારણનું માળખું એવું છે કે તે દેશને ધર્મનિરપેક્ષ બનાવશે. તેથી આ શબ્દનો સમાવેશ કરવાની જરૂર નથી. સમાજવાદી શબ્દ પર પણ ચર્ચા થઈ હતી. આંબેડકરે જવાબ આપ્યો હતો કે બંધારણ સમિતિ ભવિષ્યની પેઢીઓને આવી રાજકીય અને આર્થિક નીતિનું પાલન કરવા દબાણ કરી શકે નહીં. જો કાલે કોઈ આર્થિક નીતિ બદલવા માંગે તો શું?

ભાજપના સાંસદે આક્ષેપ કર્યો હતો કે મુસ્લિમોને ખુશ કરવા માટે ‘ધર્મનિરપેક્ષ’ અને તત્કાલીન યુએસએસઆર (રશિયા)ને ખુશ કરવા માટે ‘સમાજવાદી’ શબ્દ ઉમેરવામાં આવ્યો હતો.શું 1976 પહેલા ભારત ધર્મનિરપેક્ષ ન હતું? શું નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી કે ઇન્દિરા ગાંધી સાંપ્રદાયિક સરકાર ચલાવી રહ્યા હતાં? ત્યારે આ શબ્દોની જરૂર કેમ પડી?

LEAVE A REPLY