ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (ANI Photo)

આગામી સમયગાળામાં પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે મંગળવાર, 4 જુલાઇએ ચાર રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલ્યાં હતા. પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી આવેલા સુનીલ જાખડને પંજાબની, ડી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશની, જી કિશન રેડ્ડીને તેલંગાણાની તથા બાબુ લાલ મરાંડીને ઝારખંડની જવાબદારી સોંપવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાનમાં કન્વેન્શન સેન્ટરમાં કેબિનેટ પ્રધાન સાથે પાંચ કલાક લાંબી બેઠક કરી હતી. આ પછી ભાજપે આ નિર્ણયની જાહેરાત કરી છે.

સુનીલ જાખડને પંજાબના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ અશ્વિની શર્માનું સ્થાન લેશે. સુનીલ જાખડ અગાઉ કોંગ્રેસમાં હતા. થોડા સમય પહેલા તેઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. સુનીલ જાખડ કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી બલરામ જાખડના પુત્ર છે.

તાજેતરની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ ભારતીય જનતા પાર્ટી પણ પોતાની ચૂંટણી પ્રબંધન સમિતિને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આ સિવાય બિહારના સીએમ નીતિશ કુમારની પહેલ પર પટનામાં વિપક્ષી પાર્ટીઓએ એકતા બેઠક યોજીને મોદી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. બીજી તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. કર્ણાટકની હાર બાદ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ પોતાની રણનીતિ બનાવવાની કવાયત તેજ કરી દીધી છે.

LEAVE A REPLY

eleven − 9 =